કેબિનેટે નાગરીક્તાના કાયદામા સુધારા કરતા બિલને મંજૂરી આપી દીધી છે. આ સ્થિતિ વચ્ચે અમિત શાહે આજે આ બિલને લોકસભામાં રજુ કર્યું છે. આ બિલને ગૃહ પ્રધાન અમિત શાહ રજુ કરતાની સાથે તેના ફાયદા અંગે લોકસભાને જાણકારી આપી રહ્યાં છે. આ બિલનો હાલ વિરોધ થઇ રહ્યો છે અને વિપક્ષ દાવો કરી રહ્યો છે કે આ બિલ કોમવાદી છે અને ધર્મના આધારે નાગરિક્તા નક્કી ન કરવામાં આવે. આ બિલ રજુ કરતા પહેલા બીજેપીએ સાંસદો માટે ત્રણ દિવસ માટે વ્હિપ જારી કર્યો છે.
મોદી સરકારે લોકસભામાં બીજી વખત સોમવારે નાગરિક સંશોધન બિલ, 2019 રજુ કર્યો છે. કોંગ્રેસ સહિત 11 વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યાં છે. બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ અધીર સંજન ચૌધરીએ કહ્યું આ બિલ દેશમાં ફક્ત લઘુમતિ સમુદાયને ટાર્ગેટ કરવા માટે છે. તેના પર ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો કે હુ તમામ સવાલનો જવાબ આપીશ. ત્યાં સુધી વોકઆઉટ કરતા નહીં. આ બિલ લઘુમતિઓની સામે 0.01% પણ નથી.
આ બિલને મંજૂરી મળી જાય તો બાદમાં તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. આ બિલમાં એવી જોગવાઇ છે કે જે પણ પાકિસ્તાની, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓ હોય અને ભારતમાં રહેતા હોય તો તેમને ભારતની નાગરિક્તા આપવામાં આવશે.
જોકે આ શરણાર્થીઓમાં મુસ્લિમોનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને હિંદુ, ખ્રિસ્તી, જૈન, પારસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને પગલે આ મામલે ભારે વિવાદ થયો હતો. આશરે છ દસકાથી નાગરિક્તાના કાયદામાં સુધારા નથી કરવામાં આવ્યા, સરકારની એવી દલીલ છે કે ભારતમાં અનેક એવા લોકો પણ રહે છે કે જેઓ કાયદા પ્રમાણે અહીંના નાગરિક નથી અને તેમ છતા વર્ષોથી અહીં રહે છે.
સરકારના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર, 2014 પહેલા જે પણ વ્યક્તિ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારો સહન કર્યા બાદ ભારતમાં શરણાર્થી તરીકે આવ્યા છે તેમને આ નાગરિક્તા આપવામાં આવશે. જોકે તેમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં નહીં આવે. આ બિલને લોકસભામાં તો પસાર કરી દેવામાં આવશે પણ રાજ્ય સભામાં તેને પસાર કરવું મુશ્કેલ છે.