શિવસેના અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વારંવાર તણખા ઝર્યા કરે છે પરંતુ ચૂંટણી નજીક આવતા ભાજપ અને શિવસેના ફરીવાર જોડાણની દિશામાં આગળ વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે શિવસેનાની તમામ માંગો સ્વીકારી લીધી છે અને મહારાષ્ટ્રની લોકસભા સીટોને ફિફ્ટી-ફિફ્ટી વહેંચણી કરી લેવા પર સમજૂતી સધાઈ હોવાની માહિતી મળી રહી છે. મતલબ કે મહારાષ્ટ્રની 48 સીટ પૈકી બન્ને પાર્ટી 24-24 સીટ પર ચૂંટણી લડશે.
શિવસેના-ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે જોડાણની પ્રબળ સંભાવના ઉભી થઈ છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને મેજિક ફિગર સુધી પહોંચવા માટે બન્ને પાર્ટીઓએ જોડાણને આખરી ઓપ આપી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. 2014ની ચૂંટણીની વાત કરીએ તો શિવસેનાએ 22 અને ભાજપે 26 બેઠક પર ચૂંટણી લડી હતી. પરંતુ શિવસેના દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવતા ભાજપ બેકફૂટ પર આવી ગયો હતો. હવે ભાજપે શિવસેનાને ગયા ચૂંટણી કરતા વધુ બે બેઠક આપવાની ઓફર કરી છે. હવે બન્ને પચાસ-પચાસ બેઠક પર ચૂંટણી લડવાની ફોર્મ્યુલા પર આગળ વધી રહ્યા છે.
તાજેતરમાં થયેલી પેટાચૂંટણીમાં શિવસેનાએ ભાજપની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાલઘર અને હાતકણંગલે લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં શિવસેનાની સ્થિતિ ખરાબ રહી હતી. પાલઘર ભાજપનો ગઢ મનાય છે. પાલઘરમાં ભાજપે શિવસેના હાર આપી હતી. જ્યારે હાતકણંગલે સીટ પરથી સ્વાભિમાન સંગઠનનાં સાંસદ રાજુ શેટ્ટી જીતી ગયા હતા. હવે શેટ્ટી એનડીએમાંથી નથી. શિવસેનાએ આ સીટ પરથી એનસીપીના બાગી નેતા ઘૈર્યશીલ માનેની ટીકીટ આપી હતી. હવે આ બન્ને સીટ ભાજપ શિવસેનાને આપવા તૈયાર થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
હાલમાં થયેલા એપીબી-ન્યૂઝ-સી વોટર સરવેમાં ભાજપ અને શિવસેનાની સ્થિતિ ડામાડોળ જેવી થઈ ગઈ હતી. લોકસભાની 48 સીટમાંથી એનડીએ(ભાજપ-શિવસેના)ને 20 અને યુપીએને 28 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આમાં ભાજપને 16, શિવસેનાને 4 સીટ મળવાનો સરવે રિપોર્ટ આવ્યો હતો. તો કોંગ્રેસને 19 અને એનસીપીને 9 સીટ મળવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. 2014ની ચૂંટણીમાં ભાજપે 23 અને શિવસેનાએ 18 સીટ પર જીત હાંસલ કરી હતી.