લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધીના ટ્રેન્ડમાં સત્તાધારી ભાજપને ફટકો પડતો જણાઈ આવી રહ્યો છે. 2014ની ચૂંટણીના પરિણામો અને આ વખતની ચૂંટણીમાં મતદારોનો ઝોક તથા બદલાયેલા રાજકીય સમીકરણોમાં ભાજપને સંપૂર્ણ બહુમતિ મળવાના એંધાણ જોવા મળી રહ્યા નથી. જો ત્રિશંકુ લોકસભાનું નિર્માણ થાય તો ભાજપ દ્વારા દક્ષિણ ભારતના બે નેતાઓ પર નજર મંડાયેલી રહેશે એવા રાજકીય ગણિતનું નિર્માણ થઈ રહ્યું છે.
2014માં ભાજપને સંપૂર્ણ બહુમતિ મળી હતી અને એનડીએની ટોટલ બેઠક 342 પર પહોંચી ગઈ હતી. પરંતુ આ વખતે બદલાયેલા સમીકરણો અને ગઠબંધનના દોરમાં ભાજપને મેજિક ફિગર હાંસલ કરવા મટે ખાસ્સી એવી કસરત કરવી પડે એમ છે.
ભાજપનો બધો દારોમદાર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને યુપી છે. 2014માં આ ચારેય રાજ્યોમાં ભાજપે વિપક્ષોના ભૂક્કા બોલાવી દીધા હતા. પરંતુ આ વખતે ભાજપને ચારેય રાજ્યોમાં તકલીફ અવશ્ય છે પણ સીટોમાં નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો નથી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારો હોવા છતાં ભાજપ જ કોંગ્રેસ કરતા વધુ સીટ હાંસલ કરી રહ્યું હોવાનું ચિત્ર ઉસપી રહ્યું છે. કોંગ્રેસ માટે આ ચિંતાનો વિષય હોઈ શકે છે.
જો લોકસભા ત્રિશંકુ સર્જાય તો ભાજપે પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દીધું છે. આંધ્ર પ્રદેશમાં જગન રેડ્ડી અને ઓરિસ્સાના નવીન પટનાયક સાથે તડજોડ સાથે ગઠબંધન કરવાનો રસ્તો શોધી લેવામાં આવ્યો છે. સરવેના રિપોર્ટ એવા છે કે આંધ્રમાં જગન રેડ્ડી વાયએસઆર કોંગ્રેસ ચંદ્રાબાબુનો કરુણ રકાસ કરી શકે છે. લોકસભા અને વિધાનસભામાં જગન રેડ્ડીનો જાદૂ ચાલી રહ્યો હોવાનું જણાઈ આવી રહ્યું છે. વાયએસઆરના નેતા જગન રેડ્ડીએ કોઈની પણ સાથે ગઠબંધન કર્યુ નથી, પણ કેન્દ્રમાં સરકાર રચવા માટે જગન રેડ્ડી ભાજપને ટેકો આપી શકે એવી ગણતરી મૂકવામાં આવી રહી છે.
બીજી તરફ ઓરિસ્સામાં બીજુ જનતા દળ સાથે ભાજપે પહેલાથી જ સોફ્ટ કોર્નરનો અહેસાસ કરાવ્યો છે. બીજુ જનતા દળના નેતા અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ કીંગ મેકરની ભૂમિકામાં આવી શકે છે. ભાજપ માટે જગન રેડ્ડી અને નવીન પટનાયક ત્રિશંકુ સંસદના વર્તારા વચ્ચે ટ્ર્મ્પ કાર્ડ બની શકે છે અને બહુમતિ માટે ખૂટતી બેઠક બીજુ જનતા દળ અને વાયએસઆર કોંગ્રેસ પાસેથી હાંસલ કરવાની વેતરણમાં ભાજપની નેતાગીરી અત્યારથી જ કવાયત કરી રહી છે.