લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ભાજપે ઉમેદવારોની યાદીને અંતિમ ઓપ આપી દીધો છે. શનિવારે મોડી રાત સુધી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મીંટીંગ ચાલી હતી. પ્રથમ તબક્કામાં યુપી સહિત અન્ય રાજ્યોના ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહિતના બોર્ડ મેમ્બરોએ જમ્મૂ-કાશ્મીર, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના સાત રાજ્યોની સીટો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપની મીટીંગ આઠ કલાક લાંબી ચાલી હતી. 12 રાજ્યોના ઉમેદવારોને ફાઈનલ કરવા માટે મેરેથોન મંત્રણા કરાઈ હતી. એવું મનાય છે કે આજે સાંજ સુધીમાં ભાજપ 100 કરતાં વધારે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
આજે ઉમેદવારોના નામને ફાઈનલ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત યુપી કોર ગ્રુપના નેતાઓ અમિત શાહને મળવાના છે. ભાજપ દ્વારા નામ ફાઈનલ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા છે. હજુ સુધી ગુજરાતના નામો અંગે વિચારણા કરવામાં આવી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ખાસ કરીને યુપીના ઉમેદવારોના નામો અંગે નિર્ણય કરી લેવામાં આવે તેવી માહિતી મળી રહી છે.