લોકસભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભારતીય જનતા પાર્ટીની સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર માટે મોંઘુ પડ્યું છે. ગુરૂવારનાં બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રક્ષા મંત્રાલયની સમિતિમાંથી હટાવવામાં આવ્યા છે. પાર્ટીની સંસદીય બેઠકમાં પણ તેમના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારાનાથૂરામ ગોડસેને ‘દેશભક્ત’ કહેવાનાં સંદર્ભમાં બીજેપીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, “સંસદમાં કાલે આપવામાં આવેલું તેમનું નિવેદન નિંદનીય છે. બીજેપી ક્યારેય પણ આ પ્રકારની વિચારધારાને સમર્થન નથી કરતી.”
પ્રજ્ઞાએ એક ટિપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો
લોકસભામાં ભાજપનાં સભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરે બુધવારનાં ત્યારે એક ટિપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો જ્યારે દ્રમુક સભ્ય એ. રાજા અદાલત સામે નાથૂરામ ગોડસે દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે તેણે મહાત્મા ગાંધીને કેમ માર્યા. ઠાકુરની ટિપ્પણીને લઇને વિરોધ પક્ષનાં સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ત્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે એસપીજી બિલ પર ચર્ચા દરમિયાન ફક્ત દ્રમુક નેતાનું જ નિવેદન રેકોર્ડ કરવામાં આવશે.
લોકસભા સચિવાલયે બાદમાં એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, “પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણી રેકોર્ડ કરવામાં નથી આવી.” રાજાએ કહ્યું કે, “ગોડસેએ સ્વીકાર કર્યો હતો કે ગાંધીની હત્યા કરતા પહેલા 32 વર્ષ સુધી તેમના મનમાં ગાંધી પ્રત્યે દ્વેષ હતો.” સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સાધ્વી પ્રજ્ઞાની વિરુદ્ધ પાર્ટીની અનુશાસન સમિતિ મોટી કાર્યવાહી કરશે. તેમને પાર્ટીથી નિષ્કાસિત પણ કરવામાં આવી શકે છે.