ચૂંટણી આવે એટલે રાજકારણીઓની પાટલા બેઠકો ફરતી જતી હોય છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા યુવા કોંગ્રેસ અને NSUIના અનેક નેતાઓ ગાંધીનગરમાં કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે માત્ર પાંચ મહિનાઓનો સમય બાકી રહ્યો છે, ત્યારે નેતાઓના પક્ષપલટાને લઈને રોજ રોજ નવા સમાચારો આવતા રહેવાના છે, જેમાં સૌથી વધુ સમાચારો ભાજપ બનાવતી રહી છે, ખાસ કરીને કોંગ્રેસ પક્ષના નાના મોટા નેતાઓએ ભાજપમાં ભળવાની હોડ લગાવી હોય તેમ એક પછી એક રાજકારણીઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.
સુરેન્દ્રનગર કોંગ્રેસ યુવા ટીમ ભાજપમાં જોડાવાથી શું ફેર પડશે.
વાત કરીએ ગત્ 2017 વિધાનસભા ચુંટણી પરિણામોની તોસુરેન્દ્રનગર જિલ્લાની વિધાનસભા બેઠકો પરથી ભાજપને ખૂબ મોટો ફટકો લાગ્યો હતો, જિલ્લાની કુલ પાંચ બેઠકોમાંથી કોંગ્રેસે ચાર બેઠકો પર બાજી મારેલી, જ્યારે ભાજપ માત્ર એક બેઠક જીતી શક્યું હતું.
રાજ્યમાં છેલ્લા 27 વર્ષોથી સત્તા કરતી ભાજપ એક આખા જિલ્લામાં લગભગ સાફ થઈ જાય તે કેમ પોસાય, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ચહેરાઓનો પ્રભાવ હોવા છતાં આખા જિલ્લામાં ભાજપની સફાઈ શરમમાં ઉતારે તેવી સ્થિતિ બને.
2017 ચુંટણી પરિણામો બાદ ભાજપની નજર સુરેન્દ્રનગર પરથી ક્યારેય હટી નથી, આ જ વર્ષની વાત કરીએ તો, ગયા માર્ચ મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લાના 200 થી વધુ કોંગ્રેસ નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં ભળી ગયેલા, અને હવે યુવા કોંગ્રેસને સેંકડો નેતાઓ ભાજપમાં જોડાયા છે ત્યારે ભાજપ નબળી પડેલી બેઠકો પછી મેળવવા માટેના સંજોગો ઊભા કરી રહી છે.
ચુંટણી નજીક આવે એટલે પક્ષ પલટાની મૌસમ જામવાની જ… જેમાં સૌથી વધુ ફાવટ સત્તાધારી ભાજપ મેળવે છે, ત્યારે સમય આવતા રાજ્યમાં ખૂણે ખૂણે નારાજ કોંગ્રેસ નેતાઓ ભાજપમાં ભળે તો કોઈ નવાઈ નહિ હોય.