ગુજરાત સરકારે કોરોનાના આંકડા છુપાવવા માટે ટેસ્ટનું પ્રમાણ ઘટાડી, અને ખાનગી લેબોરેટરીને ટેસ્ટ કરવાની ના પાડી દેતા મિડીયા દ્વારા આ મામલો ગંભીરતાથી લઈ પ્રજા સામે મુકતા ભાજપની નેતાગીરીએ માનસીક સંતુલન ગુમાવી દઈ મિડીયા વેંચાઈ ગયુ છે તે મતબલનું ટવીટ ભાજપના વિવિધ નેતાઓ અને ધારાસભ્યના નામે શરૂ કરાવી દીધુ હતુ, જો કે આ મામલે સમગ્ર પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાધાત પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ આઈટી સેલનો ઉધડો લીધો હતો, પણ રૂપાણી અને વાઘાણીએ ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે જાગતો રહે તેવી નિતી અપનાવી હોય તેવુ લાગેે છે કારણ સરકારને પુછયા વગર મિડીયા વિરૂધ્ધ ટવીટ કરવાની આઈટી સેલ હિમંત કરે નહીં.
એક તરફ સરકારે કોરોના ટેસ્ટ કરવા માગતા નાગરિકોના ટેસ્ટ બંધ કરી દીધા છે અને બીજી તરફ જેમની પાસે પૈસા છે તેવા નાગરિકો ખાનગી હો્સ્પિટલમાં ટેસ્ટ કરાવતા હતા પણ તેના કારણે પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેવો ડર અનુભવી રહેલી ગુજરાત સરકારે ખાનગી લેબના ટેસ્ટ પણ નિયંત્રીત કરી દીધા હતા સરકારની આ રમતની પોલ મિડીયા દ્રારા જાહેર કરતા ભાજપ સરકારે માનસીક સંતુલન ગુમાવ્યુ હતું, પોતાને મિડીયા મેનેજર માની રહેલા નેતાઓએ ભાજપના આઈટી સેલને મિડીયા વેંચાઈ ગયુ છે અને ટીઆરપી માટે આ ધંંધો કરે છે તેવુ ટવીટ ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ અને યુવા નેતા ડૉ રૂત્વીજ પટેલ સહિત એક ડઝન નેતાઓ એકાઉન્ટ મારફતે કરાવ્યુ હતુ.
જો કે જેમના ટવીટ એકાઉન્ટમાંથી આ પ્રકારનું એક સરખુ ટવીટ શરૂ થતા રૂત્વીજ પટેલ સહિત અન્ય નેતાઓ ચૌંકી ઉઠયા હતા અને તેમણે તરત પોતાનું ટવીટ ડીલીટ કરાવી દીધુ હતુ, જો કે તે પહેલા તેના સ્ક્રીન શોટ વાયરલ થઈ ગયા હતા પત્રકારો દ્વારા આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રમુખ જીતુ વાઘાણી સામે પોતાની નારાજગી વ્યકત કરતા તેઓ સમગ્ર મામલે અજાણ હોવાનો ડોળ કરી આઈટી સેલના કન્વીનરને ઠપકો આપ્યો હોવાનો બચાવ કર્યો હતો.