અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે આખો દેશ જાણે છે કે અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં શાનદાર શિક્ષણ વ્યવસ્થા લાગુ કરી છે. આજે દુનિયાની મહાન હસ્તીઓ દિલ્હીની સરકારી શાળાને જોવા આવે છે, તેવી અદ્ભુત શાળા દિલ્હીમાં છે. ભારતના ઘણા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પણ દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાતે આવેલા છે. તાજેતરમાં ગુજરાત ભાજપના નેતાઓ પણ સરકારી શાળાઓની મુલાકાત લેવા દિલ્હી ગયા છે. ગુજરાત ભાજપના નેતાઓ જ્યારે દિલ્હી ગયા ત્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જી અને મુખ્ય પ્રવક્તા આતિશી જી એ તેમનું સ્વાગત કર્યું અને આમંત્રણ આપીને કહ્યું કે, ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હીમાં જે પણ સરકારી શાળા જોવા માગે છે, અમે તેમને ત્યાં લઈ જઈશું.
પરંતુ ભાજપના નેતાઓએ આમંત્રણ ઠુકરાવી દીધું હતું. અને મીડિયા અને સોશિયલ મીડિયા પર ખોટી વાતો ફેલાવતા તેમણે કહ્યું કે અમને દિલ્હીની સરકારી શાળાઓમાં લઈ જવા માટે કોઈ ધારાસભ્ય હાજર નથી. તો આજે અમે તે ભાજપના નેતાઓને પાછા આમંત્રિત કરીએ છીએ અને સૌ પ્રથમ અમે વિભાવરી દવે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી જી ફોન લગાવીને અમે તેમને હમણાં આમંત્રણ આપીએ છીએ.
આ પછી ‘આપ’ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વિભાવરી દવે જી ને ફોન કર્યો હતો. પરંતુ તેમના બે નંબર પર ફોન કર્યા પછી પણ વિભાવરી જી એ કોઈ ફોન ઉપાડ્યો ન હતો. આ પછી ગુજરાત ભાજપના નેતા રમણભાઈ વોરાને ફોન કરવામાં આવ્યો હતો. રમણભાઈ વોરા સાથે વાત કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે તમે દિલ્હી ગયા છો જ્યાં ભાજપ કાર્યાલય પાસે આવેલી રાજ એવન્યુ સ્કૂલમાં દિલ્હી સરકારના 5 પ્રતિનિધિઓ અને ધારાસભ્યો તમારી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ત્યાર બાદ રમણભાઈએ કહ્યું કે તેમને તે જગ્યા વિષે ખબર નથી, તો ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે તમે જે જગ્યાએ ઉભા છો તેની માહિતી અમને જણાવો, અમારા જનપ્રતિનિધિઓ તમારા સુધી પહોંચશે. પરંતુ આ પછી રમણભાઈ તરફથી કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો.
ભાજપના પ્રતિનિધિમંડળ એ આમંત્રણ આપવા છતાંય દિલ્હીની સરકારી શાળા જોવા આનાકાની કરી: ગોપાલ ઇટાલિયા
ભાજપ ના લોકો કેજરીવાલના શિક્ષણ મોડલ થી શીખવાને બદલે બસ અફવા ફેલાવે છે કે, ભાજપના પ્રતિનિધિમંડળ ને દિલ્હી સરકારે આમંત્રણ આપ્યું નથી: ગોપાલ ઇટાલિયા
મીડિયા સામે ફોન કરીને આમંત્રણ આપવા છતાંય ભાજપના પ્રતિનિધિમંડળ એ આમંત્રણ સ્વીકાર્યું નહિ તે બતાવે છે કે ભાજપની નિયત માં ખોટ છે: ગોપાલ ઇટાલિયા
ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા કરતા ભાજપે કેજરીવાલ મોડલ થી શીખવું જોઈએ: ગોપાલ ઇટાલિયા
આ પછી આગળ બોલતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પહેલા ભાજપના નેતાઓ કહેતા હતા કે તેમને આમંત્રણ મળ્યું નથી, જ્યારે આજે અમે તેમને ફરીથી આમંત્રણ આપી રહ્યા છીએ, તો તેઓ સ્વીકારી રહ્યા નથી. મતલબ કે તે ખોટા ઈરાદાથી ત્યાં ગયા છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ગુજરાતમાં આવે છે ત્યારે ભાજપના કોઈ નેતા તેમને આ રીતે આમંત્રણ આપતા નથી અને ગુજરાતની શાળા જોવા લઈ જતા નથી. અને અમે તેમને દિલ્હીની સરકારી શાળાની મુલાકાતે લઈ જવા તૈયાર છીએ પરંતુ તે અમારું આમંત્રણ સ્વીકારવા તૈયાર નથી.
આજે ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે અરવિંદ કેજરીવાલના શાનદાર શિક્ષણ મોડલ સામે ગુજરાત સરકારનું ખાનગી શિક્ષણ મોડલ સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે. ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી રમણ ભાઈએ ફોન ચાલુ રાખી ખિસ્સામાં મૂકી દીધો, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેમના ઈરાદામાં ખોટ છે.
ગોપાલ ઇટાલિયા એ દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થા કેટલી સફળ રહી છે તેના પુરાવા આપતા આગળ કહ્યું કે, 2015 માં શિક્ષા ક્ષેત્રે સૌથી વધુ બજેટ ફાળવ્યું હતું જેના વખાણ પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ એ કર્યા હતા. મેલાનિયા ટ્રમ્પએ જયારે દિલ્હી ના હેપીનેસ ક્લાસ માં હાજરી આપી ત્યારે એમને કહ્યું હતું કે હર એક દેશે દિલ્હી ના હેપીનેસ ક્લાસથી પ્રેરણા લેવી જોઈએ. હેપીનેસ કેરીક્યુલમ ઓફ દિલ્હી ને 1989 માં નોબલ પીસ પ્રાઈઝ ના વિજેતા દલાઈ લામા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જી એ દિલ્હી ની સ્કૂલ ની શિક્ષણ વ્યવસ્થા અને સ્કૂલના સુધારાઓ ના વખાણ કર્યા છે.
બીજા રાજ્યો ના મુખ્યમંત્રીઓ એ દિલ્હી ની સ્કૂલ ની મુલાકાત લીધી અને પ્રભાવિત થયા અને એવું વચન આપ્યું કે આવી જ પોલિસી અમારા રાજ્યોમાં પણ અપનાવીશું. દિલ્હી ના કાલકાંજી ના ધારાસભ્ય આતીશી જી એ અરવિંદ કેજરીવાલ જી ના મોડેલ ને યૂ.એન. જનરલ એસેમ્બલી માં રજુ કરેલ છે. દિલ્હી ના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા જી એ એજ્યુકેશન વર્લ્ડ ફોરમ લંડન માં શિક્ષા મુદ્દે સ્પીચ પણ આપેલી છે.
દિલ્હી સરકારમાં એકંદરે ધોરણ 10 નું પરિણામ 97.52% અને ધોરણ 12 નું એકંદરે 99.95% છે જયારે ગુજરાતમાં તે ઘટી ને 70% થઇ ચૂક્યું છે.દિલ્હી સરકાર દ્વારા પોતાના બજેટ માંથી વર્ષ 2022-2023 માં 23.5% ખર્ચ શિક્ષા પાછળ કરવામાં આવ્યું છે જયારે બીજા રાજ્યોમાં સરેરાશ15.2% જ કરવામાં આવે છે જે બીજા રાજ્યો ના સરેરાશ કરતા વધારે છે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 2014-2015 થી શિક્ષા ક્ષેત્રે 137% થી પણ વધારે ખર્ચ કરવામાં આવ્યા છે. 2015 થી દિલ્હી સરકાર દ્વારા 26 નવી સ્કૂલ બનાવામાં આવી જયારે 21 સ્કૂલ અત્યાર હાલમાં બની રહી છે, જેમાં નવા શાળા ખંડ માં 87% વધારો કરવામાં આવ્યો છે.
સ્પોર્ટ્સ યુનિવર્સિટીની વૃદ્ધિ દિન પ્રતિ દિન થઇ રહી છે, 4 એસ્ટ્રો ટર્ફ, 5 સિન્થેટિક ટ્રેક્સ, 20 સ્વિમિંગ પૂલ અત્યારે સુધી માં બનાવી દેવામાં આવ્યા છે જેના લીધે કેજરીવાલની દિલ્હી સરકારમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી માં 70% પાર્ટીસીપેશન વધ્યું છે. મુન્દ્રા સ્પોર્ટ્સ યુનિવર્સિટી જે દિલ્હી સરકાર દ્વારા ચાલી રહી છે એ પહેલી એવી સરકારી યુનિવર્સિટી છે જે ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવામાં સફળ છે. દિલ્હી સરકાર દ્વારા 2021 માં 307 દિલ્હી ના ખેલાડીઓ ને 739 કરોડ ની નાણાંકીય સહાય કરવામાં આવી હતી.
દિલ્હી સરકાર દ્વારા શિક્ષકોની તાલીમ માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો જેના લીધે 1407 જેટલા શિક્ષકોને દેશ-વિદેશ માં અને IIM જેવી સંસ્થામાં તાલીમ માટે મોકલવામાં આવે છે જેના લીધે શિક્ષકોના ગ્રોથ રેટ માં 60% વધારો થયો છે. દિલ્હી સરકાર સ્કૂલ મેનેજમેન્ટ કમિટી નું સશક્તિકરણ કરવા માટે તેમાં બાળકો ના વાલીઓની સંડોવણી કરે છે અને તેના માટે ચૂંટણી પણ કરવામાં આવે છે. 97% વાલીઓ નું એવું માનવું છે કે તેમના બાળકો નું ભણવામાં માં રુચિ વધી ગઈ છે. 70% વાલીઓ નું માનવું છે કે સ્કૂલની અંદર બાળકો ને શીખવાનું વાતાવરણ મળી રહ્યું છે. શાળા માં લાઈબ્રેરી માટે નું બજેટ 5 ઘણું વધારવામાં આવ્યું છે.
શાળામાં 2015 થી અત્યાર સુધી માં સ્કૂલ યુનિફોર્મ માટે સબસિડી માં દર એક બાળક દીઠ 75% નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા “દેશભક્તિ કેરીક્યુલમ“ બનાવામાં આવ્યું જેના લીધે બાળકો માં દેશભક્તિ જાગે. બાળકો ને ખુશાળ અને સુખી જીવન કેવી રીતે જીવવું જોઈએ એ શીખવવા માટે “હેપીનેસ કેરીક્યુલમ“ બનાવવામાં આવ્યું જેના વખાણ દેશ-વિદેશ માં બધા એ કર્યા છે. 7.5 લાખ બાળકોને “એન્ટરપ્રેન્યોરશિપ કેરીક્યુલમ” નો ફાયદો મળ્યો છે. 4 લાખથી પણ વધારે બાળકો એ ખાનગી સ્કૂલ માંથી સરકારી સ્કૂલમાં એડમિશન લીધા છે. 2021 માં 443 દિલ્હી સરકારી સ્કૂલ ના બાળકો એ JEE MAINS ક્વોલિફાઈડ કર્યું છે અને 569 સરકારી બાળકો એ NEET ક્વોલિફાઈડ કર્યું છે.
આ પત્રકાર પરિષદ માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશના મહામંત્રી મનોજ સોરઠિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.