વિવાદોનાં ઘેરામાં આવેલા રાફેલ લડાકુ વિમાનના સોદાને લઈ કેગનો બહુપ્રતીક્ષિત રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. સંસદના બન્ને ગૃહોમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
રાજ્યકક્ષાના નાણા મંત્રી પી.રાધાકૃષ્ણને રાજ્યસભમાં રિપોર્ટને પ્રસ્તુત કર્યો હતો. ત્યાર બાદ આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા સંસદમાં રજૂ કરતાં પહેલાં રિપોર્ટને મીડિયામાં લીક કરવાનો આરોપ મૂક્યો હતો. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને મલ્લિકાર્જુન ખડગેના આરોપ અંગે કહ્યું કે રિપોર્ટ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. તમે કોંગ્રેસના નેતા છો અને તમને ખબર હોવી જોઈએ કે રાજ્યકક્ષાના નાણા મંત્રી પી.રાધાકૃષ્ણને રિપોર્ટ રજૂ કરી દીધો છે.
આ પૂર્વે ખડગેએ આરોપ મૂક્યો હતો કે રાફેલ અંગે કેગનો રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરી દેવામાં આવ્યો છે. મીડિયામાં રિપોર્ટ લીક કરી દેવામાં આવ્યો છે. પરંતુ લોકસભામાં રિપોર્ટને મોડેથી રજૂ કરવામાં આવ્યો છે.
આજે સવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેગ રિપોર્ટ પહેલાં એક ઈમેલની કોપી રજૂ કરી વડાપ્રધાન મોદી પર આરોપ મૂક્યો હતો કે વડાપ્રધાને રાફેલ ડીલ અનિલ અંબાણીને મળે તે માટે મીડલમેનની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન પોતે રાફેલના સોદામાં સીધા સંડોવાયેલા છે.