લોકસભા ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસે બારડોલી અને વલસાડ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. બારડોલી બેઠક પર કોંગ્રેસે ફરી વાર પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પર દાવ રમ્યો છે જ્યારે વલસાડ બેઠક પર કોંગ્રેસે વર્ષો જૂના કિશન પટેલને પડતા મૂકી આ વખતે કપરડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને વલસાડ લોકસભાની ટીકીટ આપી છે.
બારડોલી લોકસભાની રચના થઈ ત્યાર બાદ સિટી વિસ્તારના કારણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે તુષાર ચૌધરી પ્રભુ વસાવા સામે હારી ગયા હતા. 2014માં પ્રભુ વસાવાએ કોંગ્રેસને છોડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો અને તુષાર ચૌધરીને પરાજ્ય આપ્યો હતો. કોંગ્રેસે ફરીવાર તુષાર ચૌધરી પર દાવ રમવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે વલસાડ બેઠક પર કપરાડાના ચાર ટર્મથી ધારાસભ્ય જીતુ ચૌધરીને લોકસભા લડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીતુ ચૌધરીએ 1989માં સરપંચ તરીકે રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ 1989માં કાકડકોપર ગામથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 12 વર્ષ સરપંચ રહ્યા અને 2000થી 2002 સુધી તાલુકા પંચાયત કપરાડાના અધ્યક્ષ પણ રહ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસે તેમને વિધાનસભાની ટીકીટ આપી હતી અને સતત ચાર ટર્મથી તેઓ કપરાડા બેઠક પર જીતતા આવ્યા છે. જીતુ ચૌધરીનો સામનો ભાજપના અનુભવી અને નિવડેલ સાંસદ કેસી પટેલ સાથે થવાનો છે.