આખરે જે અપેક્ષા હતી તે પ્રમાણે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હોવાનું જાહેર કર્યું અને કોંગ્રેસના સિનિયર નેતાઓને મોકળું મેદાન મળી ગયું છે. પ્રથમ તો રાહુલ ગાંધીને કોંગ્રેસનું સુકાન સોંપવાની આડે સિનિયર નેતાઓએ અનેક પ્રકરાના રોડા નાંખ્યા હતા. વાયા સોનિયા ગાંધી સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીની કોઈ પણ સ્કીમને સફળ થવા દીધી નહીં.
કોંગ્રેસના શાસનમાં ઘર કરી ગયેલા સિનિયર નેતાઓથી ખુરશી છૂટી રહી નથી. કેન્દ્ર સરકાર પાસે તેમની અનેક ફાઈલો છે અને આ ફાઈલોને ક્લિયર કરાવવા માટે, કેસો દબાવવા માટે કોંગ્રેસમાં મળેલી ખુરશીને તેઓ આસાનીથી જતી કરવા માંગતા નથી. સિનિયર નેતાઓની ટોળકીએ રાહુલ ગાંધીની કોંગ્રેસની કાયાપલટ કરવાની યોજનાનો જનાજો કાઢ્યો અને દરેક જગ્યાએ જૂથબંધી અને વાડાબંઘી કરીને કોંગ્રેસની પથારી ફેરવી નાંખવામાં કોઈ કસર બાકી રાખી ન હતી.
ગાંધી પરિવારની સૌથી નજીક મનાતા ગુજરાતના નેતા અહેમદ પટેલ છે. સોનિયા ગાંધી ભલે કોંગ્રેસના પ્રમુખ હતા, પણ રિમોટ તો અહેમદ પટેલના હાથમાં જ રહ્યું હતું. અહેમદ પટેલ ધારે તેને ખુરશી મળતી અને નહીં ધારે તેને તગેડી મૂકવામાં આવતા હતા. ગુજરાત કોંગ્રેસ એનો જીવંત દાખલો છે. અહેમદ પટેલ ઈચ્છતા જ ન હતા કે રાહુલ ગાંધીને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવે. પહેલાથી અહેમદ પટેલની લોબીની ઈચ્છા પ્રિયંકા ગાંધીને પ્રમુખ બનાવવાની હતી. પ્રિયંકા ગાંધીને યુપીમાં સક્રીય કરવા પાછળ પણ સિનિયર કોંગ્રેસીઓની આ જ ગણતરી હતી પણ થયું એનાથી ઉલ્ટું અને પ્રિયંકા ગાંધીને સક્રીય કરી કોંગ્રેસના સિનિયર નેતાઓએ ભાજપને મબલખ ફાયદો કરાવી આપ્યો. અહેમદ પટેલ સાથે અશોક ગેહલોત, કમલનાથ જેવા મુખ્યમંત્રીઓ છે તો કેપ્ટન અમરિન્દરસિંગ પણ અહેમદ પટેલ લોબીના મનાય છે.
રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું તો પણ સિનિયર કોંગ્રેસીઓના પેટનું પાણી હાલ્યું ન હતું. રાહુલ ગાંધીએ જાહેરમાં કહ્યું કે મારા સિવાય હારની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી તો પણ સિનિયર કોંગ્રેસી નેતાઓએ નફ્ફટાઈનું જ વરવું પ્રદર્શન કર્યું.
સિનિયર નેતાઓ જાણે છે કે આ તેમની રાજકારણમાં છેલ્લી ઈનિંગ્સ છે. હવે પછીના દિવસોમાં કોઈ તેમનો ભાવ પૂછવા પણ આવશે નહીં.સિનિયર નેતાઓને આજે પણ લાગે છે કે રાહુલ ગાંધી કોંગ્રેસની કાયાપલટમાં તેમની વિકેટ લઈ લેશે.
અહેમદ પટેલે આજે ટવિટ કરીને કહ્યું છે કે રાહુલ ગાંધી મારા નેતા છે અને રહેશે. પણ નેતાની પાંગતે અહેમદ પટેલે રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી પદેથી રાજીનામું આપ્યું નથી. ગુજરાતમાં પાછલા 30 વર્ષથી કોંગ્રેસને ભાજપ ભોંય ભૂ કરતું આવેલું છે પણ અહેમદ પટેલને કોંગ્રેસમાં ઊની આંચ પણ આવી નથી. હા, ભાજપ વધુને વધુ મજબૂત થયો એ નક્કર હકીકત સામે રાખવાની રહે છે. ભાજપના નેતાઓ તો કહે જ છે કે અહેમદ પટેલ છે ત્યાં સુધી ગુજરાતમાં ભાજપને કોઈ હરાવી શકે એમ નથી. હવે કેન્દ્રમાં પણ ભાજપને 20-25 વર્ષથી કોઈ હરાવી શકે નહીં.
રાહુલ ગાંધીને સિનિયર નેતાઓએ દિલથી સ્વીકાર્યા ન હતા અને સ્વીકારવાના પણ નથી. રાહુલ ગાંધીના વિરોધી તરીકે અહેમદ પટેલનું નામ સૌથી મોખરે આવતું રહ્યું છે. અહેમદ પટેલને સાથે રાખવા એ ગાંધી પરિવારની લાચારી કે મજબૂરી છે, એવો પ્રશ્ન સહેજેય થઈ રહ્યો છે.