(સૈયદ શકીલ દ્વારા): પાછલા 25 વર્ષથી ગુજરાતમાં સત્તા વિહોણા કોંગ્રેસના નેતાઓને સત્તા સુંદરીનો ચસ્કો લાગ્યો છે અને વાંહે-વાંહે એક પછી એક બધા ભાજપમાં જોડાણા છે. યાદી હવે બહુ લાંબીલચક થઈ ગઈ છે. 2104ની લોકસભાની ચૂંટણીથી લઈ અત્યાર સુધી ગુજરાતમાં ભાજપે કોંગ્રેસનું કાસળ કાઢવામાં કશી પાછીપાની કરી નથી અને કોંગ્રેસના નેતાઓ વાઘાં બનીને બધું જોતાં જ રહી જાય છે. દરેક વખતે એકના એક બહાના હેઠળ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરી રહ્યા છે અને ધારાસભ્ય જેવા પ્રતિષ્ઠાભર્યા પદને લાત મારીને ભાજપમાં જોડાઈને ફરી પાછો લોકચૂકાદો લેવા પણ તૈયાર થઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસની તોડફોડ થઈ. માડમ પરિવારમાંથી પૂનમ માડમ ભાજપમાં આવ્યા અને જીતી ગયા. ત્યાર બાદ તો અમદાવાદ, વડોદરા, ઉત્તર ગુજરાતના કોંગ્રેસના અનેક નેતાઓ અને ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનો રીતસરનો જનાજો કાઢ્યો હતો. કોંગ્રેસના 12 કરતાં વધુ ધારાસભ્યોએ ભાજપના પલડામાં જઈને ધારાસભ્ય પદને ત્યજી દીધું છતાં અહેમદ મહંમદ પટેલ ચૂંટણી જીતી ગયા. આ હારને ભાજપ આજદિન સુધી પચાવી શક્યું નથી.
વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને દરેક મજબૂત નેતા અને કાર્યકરને ભાજપ તરફ વાળવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. એટલે સુધી કે ધારાસભ્યોની વણછાજતી ડિમાન્ડને પણ ભાજપની નેતાગીરી નતમસ્તક થઈ ગઈ.
હવે નવી રીતે ભાજપે કોંગ્રેસના ચાલુ ધારાસભ્યોને તોડવાનું શરૂ કર્યું છે. કુંવરજી બાવળીયા, આશા પટેલ, જવાહર ચાવડા અને પરષોત્તમ સાબરીયા જેવા ચાર ચાલુ ધારાસભ્યને ભાજપમાં લઈ લેવામાં આવ્યા અને બે ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધા બાદ ગણતરીના કલાકોમાં તેમને મંત્રી બનાવી દેવામાં આવ્યા. આમાં પેલા બે જણા એટેલે બલવંતસિંહ રાજપૂત અને મહેસાણાવાળા જીવા પટેલનો ઉલ્લેખ પણ આવી ગયો. કોંગ્રેસી ગૌત્રના બન્ને જણા આજે મહત્વાન નિગમ-બોર્ડના ચેરમેન છે.
ગુજરાતમાં કોંગ્રેસીઓએ હરખપદુડા થવાની જરૂર છે. આમ તો કોંગ્રેસની સરકાર ક્યારે રચાશે તે કહેવું મુશ્કેલ છે પણ ગુજરાતમાં પાછલા બારણેથી આવી રીતે હાલ તો અડધી સરકારમાં કોંગ્રેસનો જમાવડો થઈ ગયો છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો જાય તેલ લેવા અમે તો કોંગ્રેસના ધણીધોરી વિનાનાં નેતાઓને આવી જ રીતે શિરપાવ આપત રહેવાના અને ભાજપના પાયાના કાર્યકરોએ તેમને સાહેબ કહેતા થઈ જવાનું.
ગુજરાત કોંગ્રેસને સુકુન હશે કે હવે તો કોંગ્રેસના ધારાસભ્યોના કામો થશે કારણ કે કોંગ્રેસ ગૌત્રમાંથી સાગમટે રાતોરાત ભાજપનું ગૌત્ર ધારણ કરી લીધા બાદ તેઓ કોંગ્રેસી મટી તો જતા નથી. માત્ર તેમણે કપડા બદલ્યા છે મતલબ કે પાર્ટી બદલી છે.
ભાજપની જે કેડર બેઝ પાર્ટીની ઈમેજ હતી તે હવે ધોવાઈ ગઈ છે. સંઘ પરિવારને પણ હાલનું ભાજપ હાઈકમાન્ડ માપમાં રાખ રહ્યું છે. સંઘ કે વિહિપના લોકો એમ કહી ન શકે કે અમારા કારણે ભાજપ જીતે છે. હવે ભાજપનું કોંગ્રેસીકરણ તો થઈ ગયું સાથો સાથ સરકારમાં કોંગ્રેસની આડકતરી રીતે સીધી ભાગીદારી થઈ ગઈ છે.