જિજ્ઞેશનું કોંગ્રેસમાં જોડાણ : શું સાબિત થશે ભાજપ સામે રામબાણ ? શું એ ફૂંકી શકશે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ
જિજ્ઞેશ મેવાણી જ્યારે કોંગ્રેસમાં જોડાઈ રહયા છે ત્યારે એ સવાલ ઉભા થાય છે કે જિજ્ઞેશનું કોંગ્રેસમાં જોડાણ : શું સાબિત થશે ભાજપ માટે રામબાણ ? શું એ ફૂંકી શકશે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ
ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે પાટીદાર-ઠાકોર-દલિત એમ ત્રિકોણીય રાજકીય ધરી સર્જાઈ હતી. આ ત્રિકોણીય ધરીને પગલે ગુજરાતમાં ત્રણ યુવા રાજકીય નેતા- હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ધૂંઆધાર સ્પીચ તથા પોતે ઉઠાવેલ કોઈ પણ મુદ્દે ઊંડાણ પૂર્વકના અભ્યાસ માટે જાણીતા જિજ્ઞેશ મેવાણીનો રાજકીય ઉદય થયો હતો. આમાંથી હાર્દિક અને અલ્પેશ પાસે તો તેમના સમાજનો એક સંગઠિત જનાધાર હતો, પરંતુ આ ચૂંટણીઓમાં ખરા અર્થમાં પોતાના જોરે દલિતોની એક અલગ વોટબેંક ઊભી કરીને જિજ્ઞેશ મેવાણીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ ઓળખ થકી જ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા મેવાણી આજે વિધિવત કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે.
જિજ્ઞેશ મેવાણી કોલેજ કાળથી જ ફાયર બ્રાન્ડ રહ્યા છે.તેઓ કોલેજ કાળ દરમિયાનથી પોતાના મુદ્દાઓ પર અડગ રહયા છે એવી એક ચર્ચા છે. આમ તો 2009માં સુરેન્દ્રનગરમાં જમીનવિહોણા દલિતોને ગુજરાત કૃષિ જમીન ટોચમર્યાદા ધારા હેઠળ જમીનની ફાળવણી ન થવાના આક્ષેપો સાથે ઝંપલાવ્યું ત્યારથી જ તેઓ દલિતોનો ચહેરો બન્યા હતા. તેમની સંસ્થા જન સંઘર્ષ મંચે આ માટે એક સર્વે કર્યો અને 2015 સુધીમાં તો તેઓ સક્રિય આરટીઆઈ એક્ટિવિસ્ટ બન્યા હતા. મેવાણીનો ખરો રાજકીય ઉદય 2016ના ઉનાકાંડના પગલે થયો, જેમાં દલિતોને માર મારવામાં આવ્યો હતો. આખા દેશને હચમચાવી દેનારી આ ઘટનામાં ઉના દલિત અત્યાચાર લડત સમિતિની રચના કરવાથી માંડીને એમાં 30 અલગ-અલગ સંસ્થાઓને જોડવામાં મેવાણીનો મોટો ફાળો હતો. આ કારણથી જ મેવાણી રાષ્ટ્રીય સ્તરે દલિતોનો ઊભરતો ચહેરો બની ગયો હતો.
જિજ્ઞેશ મેવાણી એક મજબૂત અને સંવેદનશીલ નેતા હોવાની છાપ ધરાવે છે એવી પણ એક માન્યતા છે.એમના કોંગ્રેસમાં જોડાવા વિષે એવી વાતો થઈ રહી છે કે જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાતાંની સાથે જ ગુજરાતમાં મહત્ત્વની કામગીરી સોંપવામાં આવશે. અત્યારે આમેય ગુજરાત કોંગ્રેસમાં કોઈ એવા દલિત નેતા નથી, જેમનો રાજ્યવ્યાપી દલિત વોટબેંક પર પ્રભાવ હોય. જ્યારે મેવાણી તો ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી સહિતના વિસ્તારોમાં દલિતોના અધિકારો માટે લડતો ચલાવી ચૂક્યા છે. આ સ્થિતિમાં મેવાણી કોંગ્રેસમાં જોડાય તો ગુજરાત કોંગ્રેસની કટ્ટર સમર્થક એવી દલિત વોટબેંક માટે તે નવો ચહેરો બની શકે છે. પોતાની ફાયરબ્રાન્ડ ઈમેજ અને દલિતો માટે ગમે ત્યારે રસ્તા પર ઊતરી આવવાની મેવાણીની છબિ તેમને સમગ્ર ગુજરાતના નવા નેતા બનાવી શકે છે.
બીજી તરફ, ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો હાલના સંજોગોમાં પાર્ટી પાસે નૌશાદ સોલંકી, શૈલેષ પરમારને બાદ કરતાં દલિત નેતાગીરીમાં કોઈ મોટું નામ નથી, જેની રાજ્યવ્યાપી અપીલ હોય, જે દલિત નેતાઓ છે તેઓ પોત-પોતાના વિસ્તારોમાં તો વર્ચસ્વ ધરાવે છે, પરંતુ રાજ્યવ્યાપી ચહેરો બની શક્યા નથી. ભૂતકાળમાં કોંગ્રેસ પાસે યોગેન્દ્ર મકવાણા તથા કરસનદાસ સોનેરી જેવા દલિત નેતાઓ હતા, જેમનો રાજ્યવ્યાપી પ્રભાવ હતો. આ સ્થિતિમાં હાલના સંજોગોમાં મેવાણીને સામેલ કરીને કોંગ્રેસ પોતાના શુષ્ક બની રહેલા દલિત સમર્થકોમાં નવી ઊર્જાનો સંચાર કરી શકે છે. આનાથી બોર્ડર પરના મતદારો ફરી કોંગ્રેસ તરફ પરત આવી શકે છે, જેઓ ગત બે ચૂંટણીમાં ભાજપ તરફ વળ્યા હતા.