ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં વલણોથી સ્પષ્ટ છે કે બીજેપી સૌથી મોટી પાર્ટી તો જરૂર બની રહી છે, પરંતુ સરકાર મહાગઠબંધનની બનતી જોવા મળી રહી છે. દેખીતુ છે કે આવા વલણોથી કૉંગ્રેસનાં નેતા પણ ખુશ છે અને તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આ જીતનો શ્રેય આપી રહ્યા છે.
આ દરમિયાન રાજનીતિની ગલીઓમાં આ પણ ચર્ચા છે કે આની બિહારની રાજનીતિ પર શું અસર પડવા જઇ રહી છે? બિહાર કૉંગ્રેસનાં એક મોટા નેતાએ નિવેદન આપીને રાજ્યમાં પણ રાજકીય હલચલ વધારી દીધી છે. કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા સદાનંદ સિંહે ઈશારા-ઇશારામાં બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારને એનડીએ છોડીને મહાગઠબંધનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે.
તમામ પક્ષો એક નહીં થાય તો ખતરો
તેમણે કહ્યું કે આખા દેશમાં બીજેપીની વિરુદ્ધ વાતાવરણ બનવા જઇ રહ્યું છે. આવામાં જરૂરિયાત છે કે વર્ષ 2020માં થનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની વિરુદ્ધ આખો વિરોધ પક્ષ એક થાય. નીતિશ કુમાર તરફ ઇશારો કરતા સદાનંદ સિંહે કહ્યું કે. “તમામે એક થવું જોઇએ, નહીં તો અસ્તિત્વને ખતરો છે.”
તેમણે કહ્યું કે, “ઝારખંડનાં પરિણામોએ બીજેપીનાં અહંકારને સમાપ્ત કરી દીધો છે. આની સીધી અસર દેશની રાજનીતિની સાથે પાડોશી રાજ્ય બિહાર પર પણ પડશે. અમે જ નહીં, પરંતુ આ પરિણામોથી દેશની જનતા ખુશ છે.”