આગામી લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ગુરુવારે મોટો ઝટકો લાગ્યો છે. કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટોમ વડક્કને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો. વડક્કને ભાજપમાં જોડાતાની સાથે જ પુલવામા હુમલા અંગે કોંગ્રેસના રવૈયાની ટીકા કરી અને કોંગ્રેસના નેતાઓની આકરી ટીકા કરી. વડક્કન કેરળના વરિષ્ઠ નેતા છે અને સોનિયા ગાંધી જ્યારે પ્રમુખ હતા ત્યારે તેઓ કોંગ્રેસના પ્રવક્તાની જવાબદારી નિભાવતા હતા.
ભાજપમાં સામેલ થયા બાદ ટોમ વડક્કને કહ્યું કે મેં કોંગ્રેસ પાર્ટીને એટલા માટે છોડી કે જ્યારે પાકિસ્તાની આતંકીઓએ આપણી જમીન પર હુમલો કર્યો ત્યારે પાર્ટીનું રિએક્શન સારું ન હતું. આનાથી મને સખત આઘાત લાગ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ગુજરાતમાંથી ભાજપમાં જવાનો સિલસિલો શરૂ થયો છે. ગુજરાતમાં ત્રણ ધારાસભ્યો જવાહ ચાવડા, પરષોત્તમ સાબરીયા અને વલ્લભ ધારવિયાએ કોંગ્રેસ છોડી દીધી છે. આ પહેલા કુંવરજી બાવળીયા અને આશા પટેલે પણ કોંગ્રેસને લાત મારી દઈ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. હવે સમગ્ર દેશમાં ગુજરાતવાળી શરૂ થઈ ગઈ છે.