આગામી ત્રણ-ચાર દિવસમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લગતો વિગતવાર કાર્યક્રમ જાહેર થઈ શકે છે. જોકે, રાહુલ ગાંધીએ હજુ પાર્ટી અધ્યક્ષ તરીકે તેમના નામ પર પોતાની સંમતિ દર્શાવી નથી. જેના કારણે નવા પ્રમુખની ચૂંટણી કોંગ્રેસ માટે પડકારરૂપ બની છે. મોટો પ્રશ્ન એ છે કે શું પાર્ટી રાહુલ ગાંધીને બદલે બિન-ગાંધી પર દાવ લગાવશે?
તે જ સમયે, સૂત્રોએ જણાવ્યું હતું કે, “ચુંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ આગામી ત્રણ-ચાર દિવસમાં જાહેર કરવામાં આવશે. જેમાં નામાંકન ભરવાની તારીખ, નામાંકન પરત ખેંચવાની તારીખ અને ચૂંટણીની તારીખનો સમાવેશ થશે.
કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટેની છેલ્લી તારીખને મંજૂરી આપવાનું કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) પર નિર્ભર છે, જે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે કોઈપણ દિવસે હોઈ શકે છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લેતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.