સુરતમાં લોકસભાની ટીકીટ અશોક આધેવાડાને આપવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવતા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ કોંગ્રેસના મંત્રી હસમુખ દેસાઈ અને સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ તોગડીયા(પપ્પન તોગડીયા)એ વિરોધનો બૂંગિયો ફૂંકી દીધો છે. અશોક આધેવાડા જેવા જન્મજાત કોંગ્રેસીની સામે ભાજપ તરફી મનાતા હસમુખ દેસાઈ અને પપ્પન તોગડીયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો સુરતમાં મને(પપ્પન તોગડીયા) અથવા ધનશ્યાન લાખાણીને ટીકીટ આપવામાં નહીં આવે તો 8-10 કોર્પોરેટરો ભાજપમા જતા રહેશે.
વાત આટલેથી પતી જતી નથી. કોર્પોરેટર સોનલ દેસાઈને તો ભાજપમાં મોકલી આપવામાં આવ્યા.હવે કોંગ્રેસે સુરતમાં શું ગુમાવવાનું રહે છે, અને 8-10 કોર્પોરેટરો કોંગ્રેસ છોડીને જાય તો શું થઈ જશે. કોંગ્રેસ સત્તામાં આવવાની નથી. વિપક્ષમાં છે અને વિપક્ષમાં જ રહેવાની છે. 36 કોર્પોરેટરોના રાવણામાં 23 કોર્પોરેટર પાટીદાર છે. હાલ કોંગ્રેસપાટીદાર ફેક્ટરના કારણે સુરતમાં ટકેલી છે. હાર્દિક પટેલના આંદોલનનો કોંગ્રેસને ફાયદો થયો અને પાટીદારોએ કોંગ્રેસ તરફી વોટીંગ કર્યું. કોઈ પપ્પન તોગડીયાના કારણે કોંગ્રેસ જીતી હોય એવું પણ નથી.
તે વખતના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી સોફ્ટ હિન્દુત્વનો કાર્ડ રમ્યા, સફળ થયા પણ હવે એ સોફ્ટ હિન્દુત્વ મૂળ કોંગ્રેસીઓ પર ભારે પડી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતોઓની ભાજપ સાથેનું મેળાપીપણું બહાર આવ્યું હતું. વરાછા વિધાનસભાની ઉમેદવાર ધીરુ ગજેરા લેખિતમાં ફરીયાદો કરી હતી પણ કાને ધરાઈ ન હતી. હવે ભરતસિંહ અને અમિત ચાવડાને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. કોદાળી પર પગ પડ્યો નથી પણ કોદાળીને પગ પર મારવામાં આવી છે.
પાટીદાર સમાજમાં એવુંય નથી કે કોંગ્રેસની વિચારધારામાં માનનારો વર્ગ નથી. પાટીદાર સમાજમાં પણ કોંગ્રેસને માનનારા લોકો છે નહિંતર વોટ મળે નહીં. વાત અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના નેતૃત્વની છે. સોફ્ટ હિન્દુત્વ બૂમરેંગ થઈ માથે પછડાયું છે. સારા વાતાવરણમાં કોંગ્રેસમાં ડખો એ બતાવે છે કે સુરત કોંગ્રેસનું કોઈ દિવસ ભલીવાર થવાનો નથી. પ્રદેસ હાઈકમાન્ડે સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ કે જેને જવું હોય તે જાય, નિર્ણયમાં કોઈ ફેરફાર કરાય એમ નથી. પછી ભલે ગમે તે હોય.