અમદાવાદ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપી નેતાઓમાં ફફડાટ ફેલાયો હતો. જે બાદપાટીલ અમદાવાદની અપોલો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનો તાજેતરમાં કરવામાં આવેલો ત્રીજો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવતા ભાજપી નેતા અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા અંગે ખુદ સી.આર.પાટીલે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા મળશે. મારા સ્વાસ્થ્ય માટે પાઠવેલી શુભકામનાઓ બદલ આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
— C R Paatil (@CRPaatil) September 15, 2020
ઉલ્લેખનીય છે કે, પાટીલને કોરોના પોઝિટિવ આવ્યા બાદ 13 સપ્ટેમ્બરે બીજો RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જોકે, હવે તેના બે દિવસ બાદ એટલે કે આજે (15 સપ્ટેમ્બરે) ત્રીજો RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો છે. જેના કારણે પાટીલને 16 સપ્ટેમ્બરે હોસ્પિટલમાંથી રજા મળશે અને તેઓ થોડા દિવસ માટે હોમ ક્વોરેન્ટીન રહેશે.
નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન સતત રેલી અને સભાઓ કરતા તેઓ કોરોના સક્રમિત થયા હતા. જેથી તેઓ સુપરસ્પ્રેડર પણ બન્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.