સુરતમાં 15 દિવસના ભારે મનોમંથન પછી ભાજપે વર્તમાન સાંસદ દર્શના જરદોષને રિપીટ કર્યા છે. આમ પણ દક્ષિણ ગુજરાતમાં મહિલા ક્રાઈટેરીયામાં દર્શના જરદોષનું નામ ફિક્સ જ હતું પરંતુ ભાજપ મોવડી મંડળ દ્વારા નવેસરથી વિચારણા કરવામાં આવી જરૂર પણ છેવટે દર્શના જરદોષને જ પુન: ટીકીટની ફાળવણી કરવામાં આવી.
સુરત ભાજપના રાજકારણની વાત કરીએ તો નવસારીના સાંસદ સીઆર પાટીલની સામે સક્રીય રીતે ભાજપની અંદર જ નવી ધરી કામ કરી રહી છે. એક સમયે સીઆર પાટીલના ખાસમ ખાસ મનાતા પૂર્ણેશ મોદીએ સૌ પ્રથમ તેમની સાથેનો છેડો ફાડ્યો અને સુરત ભાજપમાં પોતાનું એક હથ્થું શાસન ચલાવ્યું. ત્યારા બાદ નીતિન ભજીયાવાળા આવ્યા. નીતિન ભજીયાવાળાએ પાટીદાર સમાજમાં ભારો રોષ હોવા છતાં પાટીદાર સમાજમાં કોંગ્રેસને ફાવવા દીધી નહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પૂર્ણેશ મોદીએ ટીકીટ ફાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એવું લાગતું હતું કે ગુજરાતના મંત્રી મંડળમાં તેમને સ્થાન આપવામાં આવશે પરંતુ સ્થાન મળ્યું નહીં. મંત્રી પદ પાટીદાર નેતા કુમાર કાનાણીના ખોળે ગયું. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનમોદીના ભાઈ સોમભાઈ મોદીના સથવારે સંમેલન કર્યું. લોકસભાની દાવેદારીમાં પાછલા બારણે તેમની ગણના થવા લાગી હતી. પણ એ ફળીભૂત થઈ નથી.
નીતિન ભજીયાવાળાએ તો સીધી રીતે ભાજપના નિરીક્ષકો સમક્ષ દાવેદારી કરી હતી. લોકસંપર્ક અને પાછલા સમયમાં સુરતમાં ભાજપને સંગઠનને અકબંધ રાખવાના સબળ કારણો સાથે નીતિન ભજીયાવાળાનું નામ જોરશોરથી ગાજ્યું પણ ટીકીટ મળી નહીં. જોકે, નીતિન ભજીયાવાળા અને પૂર્ણેશ મોદીએ કહ્યું કે પાર્ટનો નિર્ણય શિરોમાન્ય છે.
વાત અહીંયા બન્નેની પસંદગી કેમ કરવામાં આવી નહી તેની છે. સુરત અને નવસારી લોકસભા એક બીજા સાથે કનેક્ટેડ છે. સીઆર પાટીલ ભાજપના મજબૂત કદાવર નેતા ગણાય છે. સુરતમાં હાલ તેમની તૂતી બોલે છે. પરંતુ સુરત મહાનગર પાલિકાના વહીવટમાં સુરત ભાજપનું સંગઠન જ બધું નક્કી કરે છે તેમાં સીઆર પાટીલને જરૂર પુરતા સાચવી લેવામાં આવે છે. કાશીરામ રાણા અને ફકીરભાઈ ચૌહાણ યુગના સમાપન સાથે સીઆર પાટીલ સુરત ભાજપ માટે સુપ્રીમો તરીકે ઉભર્યા પણ પૂર્ણેશ મોદી અને નીતિન ભજીયાવાળાની જોડીએ તેમને ફાવવા દીધા નહીં. દરેક લેવલ પર આ બન્ને નેતાઓ સીઆર પાટીલ સમોવડી વગ, હાક અને ધાક રાખતા થયા. સીધી વાત છે કે આ બાબત રાજકારણમાં કોઈના માટે સાંખી લેવા જેવી રહેતી નથી અને સીઆર પાટીલ માટે પણ સુરતી જોડી માથાનો દુખાવો બની રહ્યા કરતી છે. વારે-છાશવારે આ જોડીએ સીઆર પાટીલની સમાંતર પોતાની ધરી કાયમ કરતા સીઆર પાટીલને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી હતી.
સીઆર પાટીલ કદી નહીં ઈચ્છે કે તેમની સામે તેમના જેટલો જ કોઈ કદાવર અને મજબૂત નેતા સુરત લોકસભાની ટીકીટ લઈ જાય. દર્શના જરદોષ મહિલા છે અને તેમની વ્યક્તિગત ઈમેજ કરતાં તેઓ ભાજપના સિમ્બોલ પણ જ ચૂંટાય છે. જ્યારે સીઆર પાટીલ ઉપરાંત નીતિન ભજીયાવાળા અને પૂર્ણેશ મોદીની જોડીમાંથી કોઈ એકને પણ સુરત લોકસભાની ટીકીટ મળી હોત તો સીઆર પાટીલ સામે મોટું રાજકીય જોખમ ઉભૂં થવાની શક્યતા હતી. આવી જ ઘટના મહેશ સવાણીમાં પણ બની છે. મહેશ સવાણી પણ બધી જ રીતે મજબૂત માણસ ગણાય છે. પૂર્ણેશ મોદી અને નીતિન ભજીયાવાળાની ટીકીટ મામલે છેલ્લું અટ્ટહાસ્ય સીઆર પાટીલનું રહ્યું છે.