કોંગ્રેસના મહામંત્રી અને મધ્યપ્રદેશના પ્રભારી દીપક બાબરીયા પણ કોંગ્રેસીઓથી નારાજ થઈ ગયા છે. તેઓ એક કાર્યક્રમમાં ભાવુક થઈ ગયા હતા અને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. બાબરીયાએ કહ્યું કે હું એક વર્ષથી અપમાનિત થઈ રહ્યો છું. ટીકીટ વેચવાના આરોપ લાગ્યા. મને ગુંડાઓ મોકલીને મારવામાં આવ્યો. બાબરીયાએ મધ્યપ્રદેશ પછાત જાતિના સંમેલનને સંબોધતા પોતાની વ્યથા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં બાબરીયા પોતાની વેદના રજૂ કરતા અટ્કયા ન હતા.
વિદિશા વિધાનસભાની ટીકીટને લઈ ઘારાસભ્ય શશાંક ભાર્ગવ દ્વારા આરોપ મૂકવાના અનુસંધાને બાબરીયાએ ખુલાસો કરતા કહ્યું કે તેઓ ગુજરાત પરત ફરવા માંગતા હતા પરંતુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને લોકસભા ચૂંટણી સુધી મધ્યપ્રદેશમાં રોકાઈ જવાનું કહ્યું છે.તેમણે કહ્યું કે વિદિશાની ટીકીટને લઈ આક્ષેપો લગાવવામાં આવ્યા છીએ. ખરેખર હાઈકમાન્ડે જણાવ્યું હતું કે લઘુમતિ ક્વોટાની પાંચ ટીકીટ આપવી અને સંમતિ ન થતે વધુ એક સીટ પર નવા ચહેરાને ટીકીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે મને પ્રભારી બનાવવામાં આ રહ્યો હતો ત્યારે જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને કહ્યું હતું કે મને 65 વર્ષ પૂરા થઈ રહ્યા છે. મારા બદલે એમપીમા અન્ય યુવા ચહેરાને મોકલવામાં આવે. કેટલાક સમય સુધી એમપીમાં આવવાનું ટાળ્યું પણ ખરું પરંતુ છેવટે પાર્ટીના આદેશને માન આપીને મારે આવવું જ પડ્યું.
બાબરીયાએ વધુમાં કહ્યું કે ભાજપ દ્વારા પછાત જાતિના નેતાઓનો માત્ર ઉપયોગ જ કરવામાં આવે છે. ઉમા ભારતી અને શિવરાજસિંહ ચૌહાણ તેના ઉદાહરણો છે. શિવરાજસિંહને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા નહીં અને તેમની સામે નરોત્તમ મિશ્રા, કૈલાશ વિજય વર્ગીય, નરેન્દ્રસિંહ તોમર અને ગોપાલ ભાર્ગવ જેવા નેતાઓને ઉભા કરી દેવામાં આવ્યા છે.
તેમણે ભાજપને આડે હાથે લેતા કહ્યું કે ભાજપ ગાયની વાત તો કરે છે પરંતુ તેમની સરકારમાં ભારત ગૌ-માંસની નિકાસ કરતો સૌથી મોટો દેશ બની ગયો છે. નોકરીઓ ખલાસ કરીને સંવિદા અને હંગામી શિક્ષકો જેવા માર્ગો શોધીને નોકરીઓની લાક્ષણિકતા ખતમ કરી દેવામાં આવી છે. સંવિદા કાર્યક્રમ દ્વારા ભાજપના નેતાઓની સંસ્થાઓમાં નોકરી આપીને શોષણ કરવામાં આવી રહ્યું છે.
દીપક બાબરીયાની વાત અને તેમની વેદનાથી એવું લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી સુધીમાં તેઓ પણ કશુંક નવાજૂની કરવાના મૂડમાં હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓથી નારાજ બાબરીયાને ગુજરાત બહાર ધકેલી દેવામાં આવ્યા હતા અને આને લઈ પણ તેમણે પોતાનો અણગમો છતો કર્યો છે.