નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ફાટી નીકળેલા કોરોના વાયરસને કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉનનો સમયગાળો 14 એપ્રિલના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે દેશમાં વધતા કોરોના પોઝિટિવના કેસોને ધ્યાનમાં લઈને સરકાર પણ સતર્ક છે. આ સાથે જ આજે (11 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. જેમાં કોરોનાને કારણે વિવિધ રાજ્યોમાં સર્જાયેલી સ્થિતિ અંગે અને આગામી સમયમાં લોકડાઉન લંબાવવું કે નહીં તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે, આ બેઠક બાદ વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરે તે પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દોઢ ડહાપણ કર્યું છે. કેજરીવાલે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીના આગામી નિર્ણયની ચાડી ખાધી છે.
એક તરફ અટકળો ચાલી રહી છે કે, વડાપ્રધાન મોદી 12 એપ્રિલે દેશને સંબોધન કરી શકે છે. લોકડાઉનને લંબાવવું કે નહીં તે અંગે, દેશની હાલની સ્થિતિ અંગે વિચારણા તેમજ મુખ્યમંત્રીઓ સાથે બેઠક બાદ વડાપ્રધાન મોદી પોતાનો નિર્ણય 12 એપ્રિલે જણાવી શકે છે. આ સાથે જ આગામી બે અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી શકે છે. પરંતુ વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરે અને લોકડાઉન અંગેની આગળની જાહેરાત કરે તે પહેલા જ મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીના લોકડાઉન વધારવાના નિર્ણય અંગે ટ્વીટર પર દોઢ ડહાપણ દેખાડ્યું છે. કારણ કે, અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદીએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય લઇ લીધો છે.
હકીકતમાં વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે, “વડાપ્રધાને લોકડાઉન લંબાવવાનો સાચો નિર્ણય લીધો છે. આજે, ઘણા વિકસિત દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે. કારણ કે, આપણે વહેલી તકે લોકડાઉન શરૂ કર્યું હતું. જો હવે તેને રોકી દેવામાં આવે તો, અત્યાર સુધી મેળવેલું બધું ધોવાઈ શકે છે. એકીકૃત કરવા માટે, તેને લંબાવવું તે મહત્વપૂર્ણ છે.”