મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે ચૂંટણી ટાણે ખરાબ સમાચાર છે, સર્વોચ્ચ અદાલતે મંગળવારે તેમની વિરૂદ્ધ દાખલ કરાયેલી ગુનાહિત ફરિયાદને ફરીથી સુનાવણી માટે લીધી હતી જેમાં તેમની વિરૂદ્ધ આરોપ લગાવાયા હતા કે 2014ની ચૂંટણી માટે જમા કરાવેલા સોગંદનામામાં તેમની વિરૂદ્ધ બે ગુનાહિત પડતર કેસની વિગત આપી ન હતી. સુપ્રીમે સુનાવણી કરી રહેલી અદાલતને તે ફરિયાદ પર નવેસરથી વિચાર કરવા કહ્યું હતું. જો કે ટોચની અદાલતનો ચુકાદો ફડણવીસ માટે મહારાષ્ટ્રમાં આવી રહેલી વિધનાસભા ચૂંટણી લડવામાં કોઈ વિઘ્ન ઉભું કરશે નહીં. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે બોમ્બે ઉચ્ચ અદાલતના 3 મે, 2018ના આદેશને રદ્દ કર્યો હતો જેમાં ફડણવીસને ક્લીન ચીટ આપવામાં આવી હતી અને કહ્યું હતું તેમના પર રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ (આરપી) એક્ટ હેઠળ કેસ ચલાવવાની જરૂર નથી.
અદાલતે નોંધ લીધી હતી કે ફરિયાદમાં કહેવાયું છે કે ફડણવીસને પોતાની વિરૂદ્ધ પડતર બે કેસોની માહિતી હતી તે કેસનો ઉલ્લેખ તેમણે ઉમેદવારી ફોર્મની સાથે જમા કરાવેલા સોગંદનામામાં નથી. વકીલ સતીશ ઉકેએ નાગપુરમાં એક મેજિસ્ટ્રેટ અદાલતમાં ફડણવીસ વિરૂદ્ધ ગુનાહિત ફરિયાદ દાખલ કરી હતી જેમાં ફડણવીસ વિરૂદ્ધ આરપી એક્ટની કલમ 125-એ હેઠળ ફડણવીસ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની અરજી કરાઈ હતી. તેમની અપીલને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખી હતી. આરપી એક્ટની કલમ 125-એ ખોટું સોગંદનામું દાખલ કરવા વિરૂદ્ધ દંડ આપે છે જેમાં કહેવાયું છે કે જો ઉમેદવાર પોતાના ઉમેદવારી ફોર્મમાં પડતર ગુનાહિત કેસ જેવા મુદ્દાઓની માહિતી છુપાવે છે અથવા ખોટી માહિતી આપે છે તો તેને આ માટે 6 મહિનાની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.