ગુજરાતની મહત્વની ગણાતી બેઠક એટલે કે વલસાડ-ડાંગની આ બેઠક બંને પક્ષો માટે મહત્વની છે કે કારણ કે વલસાડ જે પક્ષ જીતે એ પક્ષ કેન્દ્રમાં રાજ કરે છે ઇતિહાસ છે આ બેઠકનો જે પાર્ટીનો સાંસદ અહીં જીત્યો એ પાર્ટી એ દેશ પર રાજ કર્યું છે. પાછલી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા કેસી પટેલની સામે આ વખતે રસ્તો આસાન નથી. વડાપ્રધાન મોદીના નામે તરી જવાની આશા રાખતા કેસી પટેલ પોતાની વ્યક્તિગત ઈમેજના કારણે ખાસ્સા એવા ધોવાતા ગયા છે અને આ વખતે ખુદ ભાજપમાં તેમની સામે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક નજર વલસાડ-ડાંગની બેઠકના ઇતિહાસ પર
વલસાડ-ડાંગ 1957થી લઇને 1967 સુધી, કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતી લીધી. આ પછી, મોરારજી દેસાઈની કોંગ્રેસએ અહીંથી ચૂંટણી જીતી હતી. 1977માં જનતા પાર્ટીએ આ બેઠક જીતી હતી. ઈન્દિરા ગાંધીની આગેવાનીવાળી કોંગ્રેસ 19 80 અને 1984 માં જોકે 1989 માં જનતા દળના બાજી પલટાઈ અને અરુણ પટેલ ચૂંટણી જીત્યા હતા. આ પછી, 1991માં કોંગ્રેસ જીતી ગઈ. ત્યાર બાદ ભાજપ સતત ત્રણ ચૂંટણીઓ જીતી છે. મણી ચૌધરીને 1996,1998 અને 1999માં ભાજપની ટીકીટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2004 અને 2009માં કોંગ્રેસના કિશન પટેલ સતત બે વખત જીત્યા હતા. 2014ના મોદી વેવમાં તેઓ જીતી શક્યા ન હતા અને ભાજપના ટીકીટ પર લડેલા ડો.કે.સી. પટેલે તેમને હરાવ્યા હતા.
1996માં ભાજપે પહેલી વાર અને કેન્દ્રમાં બેઠક જીતી હતી, વરિષ્ઠ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીને સરકાર ચલાવવાની તક મળી. જો કે, આ સરકાર ફક્ત 13 દિવસ માટે જ ચલાવી શકી હતી. આ પછી, 1998માં, આવી રાજકીય સ્થિતિ આવી હતી કે ભાજપે કેન્દ્રની શક્તિનું નેતૃત્વ કર્યું હતું. 1999થી 2004 સુધી, અટલ બિહારી વાજપેયીએ સંપૂર્ણ કાર્યકાળ નિશ્ચિત કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ત્રણેય ચૂંટણીઓમાં ભાજપે વલસાડ બેઠક જીતી હતી. આ કોંગ્રેસ 2004માં જીતી લીધા પછી કેન્દ્રમાં યુપીએ સરકારની રચના થઈ. 2009માં કોંગ્રેસ સરકારની સરકાર પુનરાવર્તન વિશે વધુ આત્મવિશ્વાસ ધરાવતી નહોતી, પરંતુ મનમોહન સિંહે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી અને ચૂંટણીમાં કોંગ્રેસે વલસાડ બેઠક જીતી હતી. 2014માં જ્યારે બેઠક ભાજપના ખાતામાં ગઈ, ત્યારે ભાજપ કેન્દ્રમાં પાછો આવ્યો.
વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર હાલ ભાજપનું પ્રભુત્વ વધારે છે. વાત કરીયે લોકસભાની બેઠકમાં આવતી વિધાનસભાની. વલસાડ લોકસભામાં સાત વિધાનસભા પૈકી આહવામાં કોંગ્રેસનો કબ્જો છે. વાંસદામાં કોંગ્રેસનો કબજો છે. જ્યારે વલસાડ જિલ્લામાં કપરાડામાં કોંગ્રેસનો કબ્જો છે. આમ ત્રણ વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે ત્યારે વલસાડ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક એટલે કે ધરમપુર, વલસાડ, પારડી, ઉમરગામ બેઠક પર ભાજપનો કબ્જો છે. આમ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધારે છે ત્યારે શહેરી વિસ્તારમાં ભાજપે પકડ જાળવી રાખી છે. પરંતુ આ પકડ ભાજપના આંતરિક વિખવાદના કારણે ઢીલી પડી રહી હોવાનું જણાઈ આવી રહ્યું છે. કેસી પટેલની સામે મોટાપાયા પર એન્ટી ઈનકમ્બન્સી ફેક્ટર ઉભું થયું છે. કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીએ અત્યારથી જ ફ્રન્ટ ફૂટ પર આવીને કેસી પટેલને પડકાર ફેંક્યો છે. ઉમેદવારની પસંદગી અને કેસી પટેલના પાછલા 10 વર્ષનો રેકોર્ડ જોતાં લોકો કેસી પટેલની નોંધનીય કામગીરી અંગે બળાપો કાઢે છે અને કહે છે કે સાંસદ 10 વર્ષમાં ક્યારેય જોવા મળ્યા નથી. માત્ર સરકારી પ્રોગ્રામોમાં જ આવન-જાવન કરતાં દેખાયા છે.
આદિવાસી સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે કેસી પટેલ દ્વારા શું કરવામાં આવ્યું તેને લઈ ભારે હોબાળો છે. આદિવાસી ઉપરાંત શહેરી વિસ્તારમા મતદારો પણ કેસી પટેલની કામગીરી મોટાપાયા પર અસંતુષ્ટ હોવાનું લોકો સાથેની વાતચીત પરથી વિદિત થઈ રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેસી પટેલે શિક્ષિકોને ધમકી આપી હતી અને આ વિવાદ છેક રાજ્યસ્તરે ગૂંજ્યો હતો. કેસી પટેલે ભાજપની હાર માટે દોષનો ટોપલો શિક્ષકો પર નાંખ્યો હતો અને ભાજપ વિરોધી શિક્ષકોને પાણીચું આપવાનું નિવેદન કર્યું હતું. શિક્ષકોએ કેસી પટેલ સામે આંદોલન શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત હની ટ્રેપમાંથી કેસી પટેલ બહાર આવી ગયા પરંતુ તેમની ઈમેજને બટ્ટો જરૂર લાગ્યો હતો. દિલ્હી પોલીસે હની ટ્રેપ અંગે બ્લેક મેઈલ કરતી યુવતીને જ જેલમાં ધકેલી દીધી હતી.
કેસી પટેલનો ઘરમાંથી જ વિરોધ થઈ રહ્યો છે. નાના ભાઈ અને 2004માં વલસાડ લોકસભાની ચૂંટણી લડેલા ડીસી પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો કેસીની વિરુદ્વમાં છે. એવું મનાય છે કે વલસાડના ધારાસભ્યોમાં પણ કેસી પટેલની કાર્યપદ્વતિને લઈ ઉકળતો ચરુ છે. આ સ્થિતિમાં કેસી પટેલ માટ કપરાચઢાણ છે. માત્ર પીએમ મોદીના નામનો સહારો છે.
જાતીય સમીકરણ (વલસાડ-ડાંગ)
- વારલી જાતિ અને નાયકા જાતિ (ST) સંખ્યા -402062 (24.84%)
- કોકણી જાતિ (ST) સંખ્યા 213409 (13.53%)
- ધોડિયા અને ઘોડી (ST) સંખ્યા 240237(14.13%)
- હળપતિ જાતિ (st) સંખ્યા 114677 (7.15%)
- ભીલ જાતિ (ST) સંખ્યા 79980 (4.92%)
- અધર ટ્રાઇબલ -જાતિ સંખ્યા 26294 (1.61%)
- શિડયુલ કાસ્ટ જાતિ – (SC) સંખ્યા 24313 (1.49%)
- ઓબીસી જાતિ (OBC) સંખ્યા 235981 (14.52%)
- જનરલ જાતિ – સંખ્યા 119784 (7.48%)
- માઇગ્રન્ટ સંખ્યા- 116796 – (7.18%)
- મુસ્લિમ જાતિ સંખ્યા 55200 (3.17%)
- કુલ – 16,24,733 (100%)
હાલ આ સીટ પર ભાજપનો કબ્જો છે. 2 લાખ કરતા વધુ વોટથી ભાજપે જીત મેળવી હતી ત્યારે 10 વર્ષ રાજ કર્યા બાદ કોંગ્રેસના હાથમાંથી ભાજપે જીતી હતી. હવે જોવાનું એ રહ્યું કે ભાજપના દબદબાવાળી લોક સભા સીટ પર શું કોંગ્રેસ પોતાની જીત મેળવશે કે ભાજપ પોતાનો કબ્જો યથાવત રાખશે. કહેવાય છે કે વલસાડ જે જીતે એ દેશ જીતે એ વાત ખરેખર ફરી એક વાર ઇતિહાસ સર્જશે કે પછી ઇતિહાસનો રેકોર્ડ તૂટશે વલસાડ અને ડાંગની જનતા કોને વલસાડની રાજગાદી સોંપશે એ તો આવનારો સમય જ બતાવશે.