ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચીફ ઈલેક્શન કમીશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં 288 સીટ છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. હરિયાણા વિધાનસભામાં 90 સીટો છે અને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર સુધી છે. બંને રાજ્યોમાં ગઈ વખતે ચૂંટણીની જાહેરાત 20 સપ્ટેમ્બરે થઈ હતી. 15 ઓક્ટોબરે મતદાન થયું હતું. પરિણામ 19 ઓક્ટોબરે આવ્યા હતા. આ ચૂંટણી અનુચ્છેદ 370 અને ત્રણ કલાક ખતમ કર્યા પછી મોદી સરકારનો પહેલો ટેસ્ટ છે. મહારાષ્ટ્રમાં 8.94 કરોડ અને હરિયાણામાં 1.28 કરોડ મતદારો
ચીફ ઈલેક્શન કમીશનર સુનીલ અરોરાએ કહ્યું, હરિયાણામાં 1.28 કરોડ મતદારો ચે અને 1.3 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં 8.94 કરોડ મતદાર છે અને અહીં 1.8 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે બે ખાસ સુપરવાઈઝર મોકલવાનો નિર્ણય કર્યો છે. જે માત્ર ચૂંટણી ખર્ચ પર નજર રાખશે. પહેલાં પણ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટકમાં આ પ્રકારના સુપરવાઈઝરને ચૂંટણી દરમિયાન મોકલવામાં આવ્યા હતા. પંચે રાજકીય પક્ષોને પણ એવી અપીલ કરી છે કે, તેઓ પર્યાવરણ માટે અનુકૂળ સામગ્રીનો જ પ્રચારમાં ઉપયોગ કરે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીનું શિડ્યૂલ
નોટિફિકેશન | 27 સપ્ટેમ્બર |
નામાંકનની છેલ્લી તારીખ | 4 સપ્ટેમ્બર |
નામાંકનની સ્ક્રૂટીની | 5 ઓક્ટોબર |
નામ પરત લેવાની છેલ્લી તારીખ | 7 ઓક્ટોબર |
મતદાન | 21 ઓક્ટોબર |
પરિણામ | 24 ઓક્ટોબર |
બંને રાજ્યોમાં સત્તાના દાવેદાર
મહારાષ્ટ્ર: હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ઉદ્ધવ ઠાકરેનો દીકરો આદિત્ય ઠાકરે, કોંગ્રેસના અશોક ચૌહાણ અને એનસીની પ્રમુખ શરદ પવાર અને તેમનો ભત્રીજો અજીત પવાર.
હરિયાણા: હાલના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કોંગ્રેસના ભૂપિંદર સિંહ હુડ્ડા
બંને રાજ્યોમાં પ્રચાર-પ્રસારના મુદ્દા
મહારાષ્ટ્ર- વિદર્ભમાં દુષ્કાળ અને ખેડૂતોની આત્મહત્યા, મધ્ય મહારાષ્ટ્રમાં પૂર, મરાઠી અનામત
હરિયાણા- નોકરી, કારણકે ખટ્ટર સરકાર દાવો કરી રહી છે કે, તેમણે સમાજના દરેક વર્ગોને રોજગારીની તક આપી છે.
પ્રચારના મુખ્ય ચહેરા
ભાજપ- નરેન્દ્ર મોદી, અમિત શાહ
કોંગ્રેસ- રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી. સોનિયા ગાંધી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે પરંતુ તેમણે લોકસભા ચૂંટણીમાં પણ સીમિત પ્રચાર કર્યો હતો.
ભાજપને હરિયાણામાં પહેલીવાર 2014માં પૂર્ણ બહુમતી મળી હતી
હરિયાણામાં 2014 વિધાનસભા ચૂંટણી આવે તે પહેલાં જ ભાજપે હરિયાણા જનહિત કોંગ્રેસ સાથે ગઠબંધન તોડીને દરેક 90 સીટ પર એકલા ચૂંટણી લડી હતી. પાર્ટીને 47 સીટો જીતવામાં સફળતા મળી હતી. રાજ્યના ઈતિહાસમાં આ પહેલો મોકો છે જ્યારે ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી.
મહારાષ્ટ્રમાં ગઈ વખતે ભાજપ-શિવસેનાએ 25 વર્ષ પછી અલગ-અલગ ચૂંટણી લડી હતી
મહારાષ્ટ્રમાં 2014ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ-શિવસેનામાં ગઠબંધન ટૂટી ગયું હતું. બંને પક્ષે 25 વર્ષ પછી અલગ અલગ ચૂંટણી લડી હતી. ભાજપને 122 અને શિવસેનાને 63 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસ-એનસીપી વચ્ચે પણ સીટોની વહેંચણી વચ્ચે સમજૂતી ન થતા તેમણે પણ અલગ અલગ ચૂંટણી લડી હતી.
એનસીપી-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું, ભાજપ-શિવસેનામાં સીટોની વહેંચણી વચ્ચે નિર્ણય બાકી
આ વખતે એનસીપી પ્રમુખ શરદ પવાર જાહેરાત કરી ચૂક્યા છે કે, એનસીપી-કોંગ્રેસ 125-125 સીટ પર ચૂંટણી લડશે. 38 સીટો પર અન્ય સહયોગી દળ ચૂંટણી લડશે. શિવસેના અને ભાજપ વચ્ચે હજી પણ સીટોની ખેંચમતાણ ચાલી રહી છે. ગુરુવારે જ શિવસેના તરફથી કહેવામાં આવ્યું છે કે જો તેમને 144 કરતાં ઓછી સીટો મળશે તો તેઓ ગઠબંધનથી અલગ ચૂંટણી લડશે.
ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તુરંત આચાર સંહિતા લાગુ થશે
આચાર સંહિતા લાગુ છતા જ બંને રાજ્યોમાં પરિવર્તન આવશે. જેમકે ટ્રાન્સફર અને નિમણૂકો અટકી જશે. જો કોઈ ઓફિસરની ટ્રાન્સફર કરવાની હશે તો તે ઈલેક્શન કમિશન વિભાગ દ્વારા જ કરવામાં આવશે. સરકારી ખર્ચ પર સરકારની સફળતાની જાહેરાત આપી શકાશે નહીં. નવી સરકારી જાહેરાતો, ઉદ્ધાટન, લોકાર્પણ થઈ શકશે નહીં. સીએમ-મંત્રી રુટીન કામ જ કરી શકશે.