વડોદરા ભાજપના કહેવાતા દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી ટાણે પોતાનું પોત પ્રકાશ્યું છે. મતદારોને ધમકી આપ્યા બાદ આજે આ ધારાસભ્યન મીડિયા સાથે ઝપાઝપી થઈ હોવાની જાણકારી સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે.
ભાજપને વોટ નહીં આપ્યો તો બધાને જોઈ લેવાની ધમકી આપનારા મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચે ધમકી આપવા અંગે નોટીસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવાનું જણાવ્યું છે. મધુ શ્રીવાસ્તવને જવાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવતા વડોદરા ભાજપ સહિત ગુજરાતભરમાં સોપો પડી ગયો છે.
નોટીસ અંગે મધુ શ્રીવાસ્તવની પ્રતિક્રિયા પૂછવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે શ્રીવાસ્તવે ઝપાઝપી કરી હતી. મીડિયા કર્મીઓ સાથે બબાલ થતાં પત્રકાર જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડેલા જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે રૂપાણી સરકારના રાજમાં પત્રકારો સલામત નથી. અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલની રહસ્યમયી મોત અંગે આજે 20 દિવસ થઈ ગયા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આજે જ્યારે વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ પત્રકારો સાથે બદસલુકી અને ઝપાઝપી કરતા પત્રકાર જગતમાં ભાજપ સરકાર સામે પસ્તાળ પાડવામાં આવી રહી છે અને મીડિયા સાથે ધારાસભ્યની હરકતને વખોડી કાઢવામાં આવી રહી છે.