સમાજવાદી પક્ષના બે ટોચના નેતા મુલાયમ સિંઘ યાદવ અને અખિલેશ યાદવની ખૂબ નિકટના મનાતા એ પી મિશ્રાની આજે મંગળવારે સવારે પોલીસે ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન કૌભા્ંડમાં થયેલી આ ત્રીજી ધરપકડ છે. એ પી મિશ્રા ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનમાં મેનેજિંગ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. સમાજવાદી પક્ષમાં એ પી મિશ્રા ‘ધનકુબેર’ તરીકે જાણીતા છે. મુલાયમ સિંઘ યાદવ અને તેમના પુત્ર અખિલેશ સાથે એ પી મિશ્રાને ઘનિષ્ઠ સંબંધો છે.
આ કૌભાંડમાં ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આશરે 2500 કરોડ રૂપિયા ગેરકાયદે રીતે એક પ્રાઇવેટ સંસ્થા ડીએચએફએલમાં રોકવામાં આવ્યા છે. અગાઉ આ કૌભાંડમાં સંડોવાયેલા મનાતા સીપીએફ અને જીપીએફ ટ્રસ્ટના સેક્રેટરી પી કે ગુપ્તા અને સહટ્રસ્ટી સુધાંસુ દ્વિવેદીની ધરપકડ શનિવારે કરી લેવામાં આવી હતી. રાજ્ય સરકારે આ કૌભાંડની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની ભલામણ કરી હતી. મિશ્રાને આજે કોર્ટમાં રજૂ કરીને તેમની કસ્ટડી માગવામાં આવશે. શનિવારે જે બે જણની ધરપકડ કરાઇ હતી એ બંનેની કસ્ટડી માટે સોમવારે કોર્ટમાં અરજી દાખલ કરી દેવામાં આવી હતી.