ભૂતપૂર્વ સાંસદો દ્વારા નિર્ધારિત સમય સુધી સરકારી રહેઠાણ ખાલી ન કરવા બદલ હવે લોકસભાની એક સમિતિએ આકરું વલણ અપનાવ્યું છે. લોકસભાની આ સમિતિએ આદેશ આપ્યો છે કે જો પૂર્વ સાંસદ નિર્ધારિત સમય સુધી સરકારી રહેઠાણ ખાલી ન કરે તો વીજળી, પાણી અને ગેસના કનેક્શન કાપવામાં આવશે. સમિતિએ ભૂતપૂર્વ સાંસદોને ઘર ખાલી કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે.
આપને જણાવી દઈએ કે લોકસભાના એવા 200થી વધુ ભૂતપૂર્વ સાંસદ છે જેમને અત્યાર સુધી સરકારી બંગલા ખાલી કર્યા નથી. સોમવારની બેઠક બાદ સમિતિના અધ્યક્ષ સી.આર.પાટિલે કહ્યું કે ત્રણ દિવસની અંદર ભૂતપૂર્વ સાંસદોના સરકારી રહેઠાણના વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી લેવામાં આવશે. ઉપરાંત તેમણે મીડિયાને કહ્યું કે,‘આવાસ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્રણ દિવસની અંદર આવા બંગલાઓના વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપવામાં આવશે અને પૂર્વ સાંસદોને એક સપ્તાહની અંદર રહેઠાણ ખાલી કરવાનું પણ કહેવામાં આવ્યું છે.’
આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ ભૂતપૂર્વ સાંસદે એમ નથી કહ્યું કે તેઓ સરકારી ઘર ખાલી નહીં કરે. નિયમ મુજબ, ભૂતપૂર્વ સાંસદોએ ગત લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર પોતાના સરકારી ઘર ખાલી કરવાના હોય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય મંત્રીમંડલની ભલામણો પર 16મી લોકસભાને 25 મેના રોજ તાત્કાલીક ધોરણે ભંગ કરી કરી હતી. સૂત્રો મુજબ લોકસભાના 200થી વધુ સાંસદોએ અત્યાર સુધી સરકારી રહેઠાણ ખાલી કર્યા નથી જે તેમને 2014માં આપવામાં આવેલા હતા.