ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે પલટી મારી હતી અને કોંગ્રેસના એકપણ આગેવાનને ભાજપમાં નહીં લેવાની મારેલી શેખીમાંથી ફરી ગયા હતા. આ પેટાચૂંટણી દરમિયાન ભાજપે કોંગ્રેસના અનેક નાના-મોટા આગેવાન કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો. આજે વધુ એક પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન અને કોળી સમાજના નેતા લાલજી મેરને ભાજપમાં પ્રવેશ આપી સી.આર.પાટીલ પોતાના જ નિવેદન પરથી ફરી ગયા.
ગુજરાત પ્રદેશ ભાજપપ્રમુખ બનતાંની સાથે જ સુરત શહેરમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાતના કાર્યક્રમમાં પાટીલે કૉંગ્રેસના કાર્યકરો માટે ભાજપમાં હવે નો એન્ટ્રી હોવાનો આડકતરો ઇશારો કર્યો હતો. તેમણે સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય અથવા આપણે તેમને જોડવા પડે પછી આપણે ચૂંટણી જીતીએ તેવા સંજોગો ન ચલાવી લેવાય. ભાજપનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડે અને ભવ્ય જીત પ્રાપ્ત કરે એ જ આપણી આવડત છે. એના માટે આપણે કોઇની મદદ લેવાની જરૂર નથી. આમ કહીને પાટીલે આડકતરી રીતે કૉંગ્રેસ માટે ભાજપના દરવાજા બંધ થઇ ગયા હોવાનો ઇશારો કરી દીધો હતો. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પણ તેમણે સોમનાથમાં કહ્યું હતું કે હવે કોંગ્રેસના કોઈ તકસાધુ નેતાની ભાજપને જરૂર નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી સમાજનું પ્રભુત્વ છે. એ ઉપરાંત મત પણ વધારે છે ત્યારે હાલમાં રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકમાંથી એક લીંબડી બેઠક પર પણ કોળી સમાજના મતદારો વધારે છે. ત્યારે કોળી સમાજમાં પોતાનું પ્રભુત્વ ધરાવતા લાલજી મેરને ભાજપમાં સમાવીને લીંબડી બેઠક પર મત મેળવી શકાય એ માટે તેમને પક્ષમાં સમાવી લેવામાં આવ્યા છે.
લાલજી મેર 2009માં ભાજપની ટિકિટ પર સુરેન્દ્રનગર સીટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, તેમની સામે કોંગ્રેસના સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો વિજય થયો હતો. ત્યાર બાદ લાલજી 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા. તેઓ ભાજપમાં 2017 સુધી રહ્યા, પણ 2017માં તેમને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ ન મળતાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને 2018માં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. આ સમયે 2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.