ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષના પદ પર સી. આર. પાટીલ આવતાની સાથે જ ફ્રન્ટફૂટ પર બેટિંગ કરવા ગયા અને કોરોના વાઇરસે તેમને ક્લીન બોલ્ડ કરી દીધા છે. ભાજપના વર્તમાન સંગઠનને મજબૂત કરવાના લક્ષ્યની સાથે અને ખરેખરમાં તો ચૂંટણી પ્રચાર કરવા કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં તેમણે ગુજરાતના વિસ્તારોનો પ્રવાસ શરૂ કર્યો. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો.
રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. કોઇ પણ પક્ષની સરકાર સત્તામાં હોય, ત્યારે સામાન્ય નાગરિકો માટે જે નિયમો લાગુ પડે છે તે પક્ષના નેતાઓ પર નિયમ લાગુ પડતા નથી. પરંતુ કુદરતના નિયમો દરેક માટે સરખા હોય છે. તે કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં પ્રતિપાદિત થઈ ચૂક્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ કોરોનાગ્રસ્ત થયા છે.
એક તરફ જ્યારે લોકડાઉન ની પરિસ્થિતિ હતી ત્યારે શાકભાજી વાળા સુપર સ્પ્રેડર બનતા જ અમદાવાદ નું જમાલપુર શાકમાર્કેટ અને જેતલપુર નું શાક માર્કેટ બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને જમાલપુર શાક માર્કેટ તો ગયા મહિના સુધી પણ બંધ જ રહ્યું હતું ત્યારે રેલીઓ અને સભાઓ યોજીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુપર સ્પ્રેડર બન્યા છે તો તેમની સાથેના લોકોને કેમ કોરોન્ટાઇન કરવામાં નથી આવ્યા તે પણ સવાલ ઉભો થયો છે. બીજી તરફ ભાજપના પ્રદેશ કાર્યાલય માં પણ 7 થી વધુ કેસો આવ્યા છે તેમ છતાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યાલય ને કોરોન્ટાઇન કર્યું નથી તેથી ગાંધીનગર કોર્પોરેશન ઉપર પણ સવાલ ઉભા થવા પામ્યા છે કારણકે જ્યારે કોઈ સોસાયટી કે ફ્લેટ માં વધુ કેસો આવતા હોય ત્યારે તેને કન્ટેઇનમેન્ટ ઝોન માં મુકવામાં આવતું હોય છે પણ અહીં વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન્સનું પાલન કરવું દરકે નાગરિકની ફરજ છે, ત્યારે પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે તેમની અલગ છાપ છોડી છે, અને તેમણે પ્રમુખ બનતાની સાથે જ કડક અમલદાર હોય તે રીતે વર્તવાનું ચાલુ કર્યું હતું, જેથી ભાજપના વર્તુળોમાં નારાજગી પ્રવર્તી રહી છે. બીજી તરફ પાટીલ સૌરાષ્ટ્ર અન ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયા, ત્યારે કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન ન થયું, કેટલાય કાર્યકરોએ માસ્ક નહોતો પહેર્યા, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતું થયું, સ્વાગત સમારોહ યોજાયો, રેલી યોજાઈ, 50થી વધુ માણસોની ભીડ ભેગી થઈ. ગરબા રમ્યા, ફટાકડા ફૂટયા, કાર્યકરો સાથે બેઠકો થઈ, આ બધુ થયું છતા તંત્ર દ્વારા હજુ સુધી કયા કારણોસર કાર્યવાહી કરવામાં નથી આવી તે એક વિચારવા જેવી બાબત છે.