રાજ્ય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું છે કે, આ વખતે દિવાળી પર્વ વર્તમાન ઓક્ટોબર મહિનામાં આવતું હોઇ રાજ્ય સરકારે તેના અધિકારીઓ- કર્મચારીઓ- પેન્શનરોને પગાર-પેન્શન દિવાળી પહેલાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે, એટલે ઓક્ટોબર મહિનામો પગાર તથા પેન્શન તા. 21-22-23 ઓક્ટોબર દરમિયાન જ ચૂકવાઇ જશે.
રાજ્ય સરકારના અધિકારીઓ- કર્મચારીઓની સંખ્યા 5.11 જેટલી તથા પેન્શનરનોની સંખ્યા 4.54 લાખ જેટલી છે, જેમને પગાર-પેન્શન પેટે આશરે રૂપિયા 4 હજાર કરોડનું ચુકવણું થશે.
રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારીઓ- કર્મચારીઓ- પેન્શનરો ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓ, ગ્રાન્ટ મેળવતી શિક્ષણ સંસ્થાઓના કર્મચારીઓને તેમજ 11 મહિના કે તેથી વધુ સમય કરાર આધારિત નોકરિયાતોને પણ મળશે.
વર્ગ-4ને રૂપિયા 3, 500 બોનસ
રાજ્ય સરકારે દર વર્ષની માફક આ વખતે પણ પરંપરા અનુસરીને તેના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી ઉજવવા રૂપિયા 3,500ની મર્યાદામાં બોનસ આપવાનું જાહેર કર્યું છે.
રાજ્ય સરકાર દર વર્ષે તેના વર્ગ-4ના નાના કર્મચારીઓને બોનસની ચુકવણી કરે છે. આ વખતે બોનસ પેટે અંદાજે રૂપિયા 10.91 કરોડનું ચુકવણું થશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ પંચાયત, ગ્રાન્ટ- ઇન- સંસ્થાઓ, બોર્ડ- નિગમના વર્ગ-4 કર્મચારીઓને પણ મળશે.