2015નો મે મહિનો ગુજરાતના રાજકારણમાં એક ભૂકંપ આણનારો મહિનો બની રહ્યો હતો. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું રણશિંગું ફૂંકયું હતું. 2015થી લઈ આજે સાડા ત્રણ વર્ષના સમયગાળા બાદ હાર્દિક રાજકારણની નવી ઈનિંગ્સ શરૂ કરી છે. ભાજપના નેતાઓ અને ગુજરાતભરના રાજકારણીઓ માથું ખંજવાળતા રહી ગયા હતા અને હાર્દિક પટેલ રાતોરાત લોકોના દિલોમાં રાજ કરતો થઈ ગયો હતો. લોકોએ હાર્દિકનો પાટીદાર પાવર જોયો છે. ભાજપના નેતાઓએ હાર્દિકને પછાડવા અનેક હરકતો કરી પરંતુ ફાવટ આવી નહીં. હવે હાર્દિકે કોંગ્રેસ જોઈન કરીને નવી ઈનિંગ્સ શરૂ કરી છે ત્યારે હાર્દિક પટેલની પાંચ મોટી સિદ્વિઓ પર એક નજર માંડીએ.
હાર્દિકે અનેક સંઘર્ષનો સામનો કર્યો પરંતુ યુવાઓએ હાર્દિકની દરેક વાતને વધાવી અને નેગેટીવ વાતોને કચકચાવીને ફગાવી દીધી. આ હાર્દિકની પહેલી સિદ્વિ બની રહી છે. યુવાઓ માટે હાર્દિક પટેલ હૃદય સમ્રાટ બન્યો અને માત્ર પાટીદાર જ નહીં પણ અન્ય સમાજોના યુવા તથા વડીલોમાં પણ હાર્દિક પટેલ લોકપ્રિય બન્યો.
હાર્દિક પટેલની બીજી સિદ્વિ એ છે કે પાછલા 25 વર્ષથી પાટીદાર સમાજ ગાડરીયા પ્રવાહની જેમ ભાજપને ખોબલે-ખોબલે વોટ તો આપતો જ આવ્યો હતો પરંતુ વળતરરૂપે ભાજપ પાસેથી કોઈ ચોક્કસ સરકારી રાહત કે પેકેજ મેળવી શક્યો ન હતો. હાર્દિક પાટીદાર સમાજ માટે સરકારી યોજના દ્વાર ખોલાવી નાંખ્યા અને પાટીદાર સમાજ માટે ગુજરાત સરકારને રાહત અને આર્થિક સહાય સહિતની યોજના શરૂ કરવાની ફરજ પડી.
ખાસ કરીને ખેતીવાડી અને હિરા ઉદ્યોગમાં કાળી મજૂરી કરીને રળી ખાતા પાટીદારો માટે હાર્દિક એક અવાજ બનીને ઉભરી આવ્યો અને સમાજને એકજૂટ કરવામાં સફળતા મેળવી. ખાસ તો લેઉવા અને કડવા પાટીદારની ભેદરેખાને ભૂંસી નાંખવામાં હાર્દિકના આંદોલને મહત્વનો ફાળો આપ્યો.
ગુજરાત સરકારે ભારે આનાકાની, બંધારણની દુહાઈ આપી અને અનામત આપવાની માંગને સતત ફગાવી પરંતુ છેવટે ઉંધી રીતે કાન પકડીને પણ ગુજરાત સરકારે અનામત આપવી જ પડી અને આટલેથી વાત નહીં અટકી પરંતુ કેન્દ્રની મોદી સરકારે પણ હાર્દિકની તર્જ પર જ સવર્ણો માટે અનામતની જાહેરાત કરી અને તેને લાગૂ પણ કરી દેવામાં આવી. આ હાર્દિકની સૌથી મોટી અને ઐતિહાસિક સિદ્વિ તરીકે લોકો હંમેશ યાદ રાખશે. આ ત્રીજી સિદ્વિ હાંસલ કરવામાં હાર્દિકે રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો. ચારિત્ર્યહનન જેવા કાંડનો સામનો કરવો પડ્યો પરંતુ હાર્દિક આમાંથી સાંગોપાંગ બહારી આવી શક્યો.
ખેડુતો માટે ગુજરાત સરકારે ટેકાના ભાવમાં વધારો કરવો પડ્યો. હાર્દિકે અનામત આંદોલનની સાથો સાથ ખેડુતો માટે આંદોલન શરૂ કરી દીધું. તેનું પરિણામ એ આવ્યું કે ગુજરાત સરકારે ખેડુતો માટે ટેકાના ભાવ જાહેર કરવા પડ્યા પણ હાર્દિકે કહ્યું કે ભાવ અપૂરતા છે. ખેડુતો માટે હાર્દિકે દેશભરમાં સભાઓ અને જનજાગૃતિ લાવવાનું કામ કર્યું. હાર્દિકની ખેડુતો માટેની લડતના પરિણામે સરકારે ખેડુતો માટે વિવિધ યોજના લાગૂ કરી. આ હાર્દિકની ચોથી રહેલી છે.
એક સમય એવો હતો કે ગુજરાતમાં ખુદ કોંગ્રેસીઓએ કોંગ્રેસના નામનું નાહી નાંખ્યું હતું. પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવામાં હાર્દિકની ભૂમિકાનું ઋણ કોંગ્રેસીઓ ક્યારેય ભૂલી શકે એમ નથી. 29માંથી 23 જિલ્લા પંચાયત, ગુજરાત વિધાનસભામાં 80 સીટ, મહાનગરપાલિકાઓમાં જ્યા કોંગ્રેસ સાફ થતી દેખાતી હતી ત્યાં કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે બેઠી. હાર્દિકની પાંચમી સિદ્વિ કોંગ્રેસને અર્પિત રહેલી છે.
હાર્દિક રાજનીતિમાં રાષ્ટ્રીય ફલક પર પહોંચી ગયો છે. હાર્દિકની નિર્ણય શક્તિની કોઈ પણ ટીકા કરી શકે એમ નથી. આટલી નાની ઉંમરમાં ભાગ્યેજ કોઈ યુવાન આટલા ઉંચા શિખરે પહોંચી શકે છે.