હિન્દી ફિલ્મ જગતની ઐતિહાસિક ફિલ્મ “મુગલે આઝમ”નો સીન યાદ આવે છે. બાદશાહ અકબર અનારકલીને જીવિત પકડવા માટે જીદે ચઢયા છે. દિકરો સલીમ પણ સામો થાય છે. બન્ને બાપ-દિકરા વચ્ચે જંગની તૈયારી હોય છે, તેવામાં શહેઝાદા સલીમનો મિત્ર દુર્જનસિંગ અનારકલીને લઈને આવે છે. સલીમ પોતાના ટેન્ટમાં બાદશાહ સાથે વાતચીત કરતો હોય છે. અનારકલી અને દુર્જનસિંગને જોઈ શહેઝાદા કહે છે કે “ જંગ લડે બગૈર હી સલીમ ફતેહયાબ હૈ.”( જંગ લડ્યા વિના જ સલીમ વિજયી થયો છે). આવું જ કંઈક હાર્દિકના કેસમાં બન્યું છે. હાર્દિક ચૂંટણી લડ્યા વિના જ વિજયી થયો છે.
હાર્દિક પટેલ લડે છે, હાર્દિક પટેલ લડે છે કહીને ભાજપમાં મોટું સમરાંગણ સર્જાયું અને સાગમટે કોંગ્રેસીઓની તોડફોડ કરવામાં આવી. હાર્દિક પટેલને વિસનગર કોર્ટે સજા આપી અને તે કેસમાં હાર્દિકે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે ચૂંટણી લડવા દેવામાં આવે. કાયદાકીય લડાઈમાં ભલે હાર્દિકની હાર થઈ હોય પણ હાર્દિક પટેલના ઉભા થયેલા હાઉમાં ભાજપે ન કરવા જેવા અનેક કામ કરી નાંખ્યા છે.
ગમે તેમ કરીને હાર્દિક પટેલને પછાડવા માટે ભાજપનું રાવણું કામે લાગ્યું અને પાટીદાર સમાજના પ્રભૂત્વ ધરાવતા લોકસભા અને વિધાનસભા વિસ્તારોમાં કોંગ્રેસી ધારાસભ્યો અને કાર્યકરો ઉપરાંત પૂર્વ ધારાસભ્યોને તોડી ફોડી નાંખવામાં આવ્યા છે. કોંગ્રેસ પતી ગઈ છે એમ માનીને બધા ભાજપની વાંહે-વાંહે દોડવા માંડ્યા. એક અંદાજ મુજબ આશરે 50 હજારથી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં વળોટી ગયા છે. એટલા બધા કોંગ્રેસીઓને ભાજપે એન્ટ્રી આપી છે કે કોંગ્રેસ ખાલી થઈ જાય પણ આ કોંગ્રેસ ખાલી થવાના બદલે વધુ જોમથી જોર કરી રહી છે. કોંગ્રેસમાં છાપેલા કાટલાઓ અને વર્ષોથી પેંઘા પડેલા લોકો જગ્યા ખાલી કરતા ન હતા. રાહુલ ગાંધી કોંગ્રેસને મેક ઓવર કરી રહ્યા હતા પણ તક મળતી ન હતી, ભાજપે ઉમદા તક પુરી પાડી અને કોંગ્રેસીઓને પોતાના કરી લીધા. સારી વાત છે. હિન્દુત્વની વિચારધારામાં માનતા ભાજપમાં સેક્યુલર વિચારધારા લોકોના જમાવડો થઈ રહ્યો છે.
હાર્દિક પટેલ સુરત, અમદાવાદ અને જામનગરથી ચૂંટણી લડશે એવી વાતો વહેતી કરવામાં આવી અને માત્ર હાર્દિકનો હાઉ ઉભો કરવામાં આવ્યો તો કોંગેસમાંથી ટપોટપ વિકેટો પાડી દેવામાં આવી. ભાજપે ભૂલ એ કરી છે કે હાર્દિકને ચૂંટણી લડવા દીધી નહી. જાણકારો કહી રહ્યા છે કે હાર્દિકને ચૂંટણી લડવા દેવાની જરૂર હતી પરંતુ કોર્ટના આદેશની સમક્ષ તમામ લાચાર હતા. છતાં વાયા હાર્દિક રાહુલ ગાંધીએ ભાજપને દોડતો કરી નાંખ્યો.
હવે હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. ગુજરાતમાંથી એક માત્ર હાર્દિક પટેલનો સ્ટાર પ્રચારકમાં સમાવેશ થયો છે. જો હાર્દિક ચૂંટણી લડ્યો હોત તો એક મત વિસ્તાર પુરતા સીમીત થઈ ગયો હોત પરંતુ હવે સમગ્ર દેશમા હાર્દિક પટેલ પ્રચાર કરશે. હાર્દિકની રાજકીય કારકિર્દીમાં લોકસભાની ચૂંટણી મોટા ટર્નિંગ પોઈન્ટ સમાન છે. વિરોધીઓનો કાફલો મોટો છે છતાં પણ સંગઠન શક્તિ અને યુવાનો વચ્ચે અંકિત થયેલી લોકપ્રિયતા વચ્ચે હાર્દિકે વિરોધીઓને મક્કમતાથી જવાબ આપ્યો છે.
ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિના પણ આશરે બે ડઝન યુવાનોને ભાજપમાં એન્ટ્રી મળી અને આજે તેઓ પણ ભાજપમાં તાજામાજા નેતા બનીને ફરી રહ્યા છે. હાર્દિકના કારણે આજે આ લોકો પણ ભાજપમાં મોભાના સ્થાને પહોંચી ગયા છે. ભાજપે વાંકું-ચુંકું મોઢું કરીને પણ તેમને સાચવવા પડી રહ્યા છે.
ભાજપ દ્વારા હાર્દિક માટે કરવામાં આવેલી કવાયત હાલ પુરતી રીતે તો નિષ્ફળ ગયેલી જણાય છે. એવું નથી કે ભાજપની સાથે ચાલતા લોકો, નેતાઓ અને બિઝનેસમેન હાર્દિકની સાથે નથી. પાટીદાર સમાજની અનેક નામી હસ્તીઓ હાર્દિકને ગુજરાતના રાજકારણમાં ઉંચાઈ પર પહોંચનાર યુવાન તરીકે જોઈ રહી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદમાં હાર્દિકના કોંગ્રેસ પ્રવેશ વખતે કહ્યું હતું કે હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે પણ. પરંતુ કાયદાકીય સ્થિતિમાં હાર્દિક માટે હાલ સ્થિતિ સાનુકુળ બની રહી નથી. હવે ગુજરાત સિવાય રાજસ્થાનમાંથી ચૂંટણી લડાવવાની વાત ચાલી રહી છે. જોઈએ હવે આગળ શું થાય છે.