કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આ બંને સંગઠનો જાણીજોઈને દેશમાં નફરત અને ડરનું વાતાવરણ બનાવી રહ્યા છે. તેમણે કોંગ્રેસની ‘મોંઘવારી પર હલ્લા બોલ’ રેલીમાં એવો પણ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી સરકારમાં ભવિષ્યનો ડર, મોંઘવારીનો ડર અને બેરોજગારીનો ડર વધી રહ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું, તમે લોકો દેશની હાલત જોઈ રહ્યા છો. જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી દેશમાં નફરત અને ગુસ્સો વધી રહ્યો છે. જે ડરતો નથી તેના દિલમાં નફરત નથી ઉભી થતી.” તેમણે દાવો કર્યો, “દેશમાં ભવિષ્યનો ડર, મોંઘવારીનો ડર અને બેરોજગારીનો ડર વધી રહ્યો છે. જેના કારણે નફરત વધી રહી છે. લોકો નફરતથી વિભાજિત થાય છે અને દેશ નબળો પડે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ED દ્વારા 55 કલાક સુધી બેસાડવામાં આવ્યો હતો. પણ મને કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે, જો આજે આપણે ઉભા નહીં રહીએ તો દેશ નહીં બચે. કારણ કે આ દેશ એક બંધારણ છે. આ દેશ આ દેશની જનતાનો અવાજ છે. આ દેશ આ દેશના લોકોનું ભવિષ્ય છે. આ દેશ બે ઉદ્યોગપતિઓનો નથી. દેશમાં બેરોજગારી, દેશમાં મોંઘવારી અને દેશની સમગ્ર સંપત્તિ બે ઉદ્યોગપતિઓના હાથમાં છે. આ બંને ઉદ્યોગપતિ નરેન્દ્ર મોદી માટે 24 કલાક કામ કરે છે. નરેન્દ્ર મોદી પણ આ બંને ઉદ્યોગપતિઓ માટે 24 કલાક કામ કરે છે.