ગુજરાતના ભાવનગર શહેરમાં, મહિલા કોલેજના પ્રિન્સિપાલે એક આદેશ જારી કરીને તેની વિદ્યાર્થિનીઓને શાસક ભાજપના પન્ના પ્રમુખ (બૂથ સ્તરે મતદાર યાદી પ્રભારી) બનવાનું કહ્યું છે. પ્રિન્સિપાલના પગલાની નિંદા કરતા, સ્થાનિક કોંગ્રેસ એકમે ભાજપ પર તેના રાજકીય ધ્યેયો પૂરા કરવા માટે આવી શૈક્ષણિક સંસ્થાઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે મામલો ઉગ્ર બનતા કોલેજ ચલાવતા ટ્રસ્ટે જણાવ્યું હતું કે પ્રિન્સિપાલે રાજીનામું આપી દીધું છે.
24 જૂને જારી કરાયેલા આદેશમાં શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રંજનબાલા ગોહિલે ભાવનગર મહાનગરપાલિકાની હદમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે આવવા અને મોબાઇલ ફોન સાથે લાવવા જણાવ્યું હતું જેથી તેઓ ભાજપના પન્ના પ્રમુખ બની શકે.
પ્રિન્સિપાલના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપમાં પન્ના પ્રમુખ તરીકે નોંધણી કરાવવા માટે આવતીકાલે દરેક વિદ્યાર્થીએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવો. ભાવનગર મહાનગરપાલિકાની હદમાં રહેતા વિદ્યાર્થીઓ જ સભ્ય બની શકશે. ભાજપની સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે દરેક વિદ્યાર્થીએ આવતીકાલે કોલેજમાં મોબાઈલ ફોન સાથે આવવાનું રહેશે.
કોલેજના ટ્રસ્ટી ધીરેન વૈષ્ણવે જણાવ્યું હતું કે આ આદેશ રવિવારે રાત્રે તેમના ધ્યાન પર આવ્યો હતો, જેના પગલે તેમણે તરત જ સાથી ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી અને પ્રિન્સિપાલ રંજનબાલા ગોહિલનો સંપર્ક કર્યો હતો.
વૈષ્ણવે જણાવ્યું હતું કે ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ ટ્રસ્ટની તમામ સંસ્થાઓ વિકાસલક્ષી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પોતાને કોઈપણ રાજકીય કાર્યક્રમ સાથે સાંકળી લેતી નથી. ઈન્ચાર્જ પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી અને અમને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય તરીકે ઉમેરવામાં તેમનો કોઈ અંગત સ્વાર્થ નથી.
તેમણે કહ્યું કે આચાર્ય પર રાજીનામું આપવા માટે કોઈ બાહ્ય અથવા આંતરિક દબાણ નથી, પરંતુ તેમણે ટ્રસ્ટને તેમની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી અને રાજીનામું આપ્યું.
દરમિયાન કોંગ્રેસના ભાવનગર શહેર એકમના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાની વાત કરે છે. હવે આના પરથી સ્પષ્ટ થાય છે કે તે આટલું મોટું કેવી રીતે થઈ ગયું. આ એક માત્ર સંસ્થા નથી, અન્ય ઘણી સંસ્થાઓ છે. જેઓ ભાજપ હેઠળ કામ કરે છે અને પાર્ટી તેમના પર નિયંત્રણ કરે છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને રાજ્યમાં 27 વર્ષથી શાસન કરનાર ભાજપે પ્રાથમિક સદસ્યતા અભિયાન શરૂ કરી દીધું છે.