સમગ્ર દેશમાં આવકવેરાના મોટા પાયે દરોડા શરૂ થયા છે. આવકવેરા વિભાગે બુધવારે રજિસ્ટર્ડ અનરિક્ગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPP) અને તેમના કથિત શંકાસ્પદ ‘ફંડિંગ’ સામે કરચોરીની તપાસના ભાગ રૂપે કેટલાક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને કેટલાક અન્ય રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે આવકવેરા વિભાગે RUPP, તેની સંલગ્ન સંસ્થાઓ, ઓપરેટરો અને અન્યો સામે સંકલિત કાર્યવાહી શરૂ કરી છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચ (EC)ની ભલામણ પર વિભાગ દ્વારા અચાનક કાર્યવાહી કરવામાં આવી હતી. કમિશને ભૌતિક ચકાસણી બાદ તાજેતરમાં RUPPની યાદીમાંથી 87 સંસ્થાઓને દૂર કરી હતી.
ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે તે નિયમો અને ચૂંટણી સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ 2,100 થી વધુ નોંધાયેલ અમાન્ય રાજકીય પક્ષો સામે કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં ફંડ સંબંધિત માહિતી ન આપવી, નાણાકીય યોગદાન આપનારાઓના સરનામા અને પદાધિકારીઓના નામ જાહેર ન કરવા સામેલ છે. કેટલાક પક્ષો “ગંભીર” નાણાકીય ગેરરીતિઓમાં પણ સામેલ હોવાનું જણાયું છે.