પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ પર INX મીડિયા કેસ બાબતમાં બરાબરના ફસાયા છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા આ કેસમાં આગોતરા જામીનની અરજી રદ થયા બાદ તેના પર ધરપકડની તલવાર લટકી રહી છે. જો કે ચિદમ્બરમ પર કારસો ઘડાવા પાછળ ઇંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી દ્વારા અપાયેલા નિવેદન છે. આઇએનએક્સ મીડિયાના પ્રમોટર્સ મુખર્જી દંપત્તીનું નિવેદન કોંગ્રેસ નેતાની વિરૂદ્ધ તપાસ એજન્સીઓનો મજબૂત આધાર બન્યો.
ઇંદ્રાણીએ તપાસ એજન્સીને આપેલા નિવેદનમાં કહ્યું કે INX મીડિયાની અરજી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની પાસે હતી. આ દરમ્યાન તેમણે પતિ પીટર મુખર્જી અને કંપનીના એક ટોચના અધિકારીના સાથે પૂર્વ નાણાંમંત્રીની ઓફિસ નોર્થ બ્લોકમાં જઇ મુલાકાત કરી હતી. ઇડીને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે પીટરે ચિદમ્બરમની સાથે વાતચીત શરૂ કરી અને INX મીડિયાની અરજી એફડીઆઈ માટે છે અને પીટરે અરજીની નકલ પણ તેમને સોંપી. FIPBની મંજૂરીના બદલે ચિદમ્બરમે પીટરને કહ્યું કે તેમના દીકરા કાર્તિના બિઝનેસમાં મદદ કરવી પડશે. આ નિવેદનને ઇડીએ ચાર્જશીટમાં નોંધ્યું અને કોર્ટમાં પણ તેને પુરાવા રજૂ કર્યા.
ચિદમ્બરમને કેટલી રકમ મળી? ખુલાસો થયો નથી
ઇડીએ કોર્ટને આપેલી માહિતીમાં કહ્યું કે ઇંદ્રાણીએ પી.ચિદમ્બરમને કેટલી રકમ લાંચ તરીકે આપી, તેનો ખુલાસો કર્યો નથી. તપાસ એજન્સીના મતે 2008મા FIPBની મંજૂરીમાં જ્યારે અનિયમિતતાઓની વાત સામે આવી તો પીટરે ફરીથી ચિદમ્બરમને મળવાની કોશિષ કરી. ચિદમ્બરમ એ સમયે નાણાં મંત્રી હતા અને પીટરે મુશ્કેલીઓના સમાધાન માટે તેમને મળવાનું નક્કી કર્યું. પીટરે કહ્યું કે કથિત અનિયમિતતાઓથી સંબંધિત મુદ્દાને કાર્તિ ચિદમ્બરમની સલાહ અને તેમની મદદથી જ ઉકેલી શકાય છે કારણ કે તેમના પિતા જ નાણાંમંત્રી છે.
‘કાર્તિએ 10 લાખ રૂપિયા લાંચ તરીકે લીધા હતા’
ઇંદ્રાણીએ ઇડીને કહ્યું કે કાર્તિ સાથે તેમની અને પીટરની મુલાકાત દિલ્હીની એક હોટલમાં થઇ હતી. ઇંદ્રાણીએ પોતાના નિવેદનમાં કહ્યું કે કાર્તિ એ આ મુદ્દાને ઉકેલવા માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી. કાર્તિ એ કહ્યું કે તેમણે કોઇ ઓવરસીઝ બેન્ક એકાઉન્ટ કે ઓસોસીએટ બેન્ક એકાઉન્ટમાં આ રકમ જમા કરવી પડશે જેથી કરીને કેસ ઉકેલી શકાય. પીટરે કહ્યું કે ઓવરસીધ ટ્રાન્સફર શકય નથી તો કાર્તિ એ બે ફર્મ ચેસ મેનેજમેન્ટ અને એડવાન્સ સ્ટ્રેટેજિકમાં પેમેન્ટ આપવાની ભલામણ કરી.