ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જાહેરાત થઇ એ વાતને ચાર મહિના થવા આવ્યા છે. નવ નવ મહિનાની રાહ જોયા બાદ ગુજરાત કૉંગ્રેસને જ્યારે નવા અધ્યક્ષ મળ્યા ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ સહીત ગુજરાતના લોકોમાં પણ કૂતુહલ હતું કે જે કોઈ પણ નવા પ્રમુખ આવશે તે કોંગ્રેસના જાણીતા સૂત્ર મુજબ નવસર્જન લાવશે, પણ અહીં તો કંઈક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. નવસર્જન તો દૂરની વાત, હજુ સુધી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા નવસર્જનનું કોઈ પ્લાનિંગ પણ ના કરવામાં આવ્યું હોય એવું દેખાય રહ્યું છે.
જગદીશ ઠાકોર પર આ વર્ષે યોજાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને વિજય અપાવવાની જવાબદારી છે પરંતુ સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જગદીશ ઠાકોર દ્વારા હજુ સુધી પ્રદેશ માળખું પણ તૈયાર કરવામાં નથી આવ્યું અને અમુક જિલ્લાઓના માળખા પણ તૈયાર નથી. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા એ વાતને ૪ મહિના થવા આવ્યા છે ત્યારે તેઓએ દરેક જિલ્લાઓમાં ફરીને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને સદસ્યોને મળીને કનેક્ટીવિટી વધારવી જોઈતી હતી પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ સુધી તેઓએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જવાની દરકાર લીધી જ નથી.
કોંગ્રેસના જ એક યુવા નેતાએ જણાવ્યા મુજબ જગદીશ ઠાકોર સંગઠનની મીટીંગમાં મોટી મોટી વાતો કરે છે પણ સંગઠન વિષે કોઈ જ વાત કરતા નથી. હંમેશા ભૂક્કા કાઢી નાખવાની વાતો કરતા, આક્રમક વલણનો દેખાડો કરતા જગદીશ ઠાકોર ફક્ત બોલવામાં જ આક્રમક છે, પોતાના કામમાં નહીં, તેવું પ્રતીત થઇ રહ્યું છે. નવસર્જનની વાતો કરતી કોંગ્રેસ પાર્ટી વિસર્જનના આરે ઉભેલી છે ત્યારે તેમાં પ્રાણ કંઈ રીતે ફૂંકવા એનું કોઈ જ ઠોસ પ્લાનિંગ જગદીશ ઠાકોર પાસે નથી એવું પણ કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવેલ છે. કોંગ્રેસના સભ્યોને આશા હતી કે નવા પ્રમુખ આવ્યા બાદ પક્ષમાં કંઈક પરિવર્તન લાવશે પણ મજબૂત વિપક્ષ બનાવવાના બદલે કોંગ્રેસ પ્રમુખ જાણે પોતાના જ પક્ષના લોકોના પક્ષ છોડવાનું કારણ બન્યા છે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે એમ છે. કોંગ્રેસના નામી નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે.
આ તરફ જયરાજસિંહ પરમારના રાજીનામાં બાદ જાણે કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. જયરાજસિંહના સમર્થનમાં હજુ ૧૫૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ વિજય દવેએ જગદીશ ઠાકોરના પુત્ર નૈમેષ ઠાકોરના ત્રાસથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. જગદીશ ઠાકોરના પુત્ર નૈમેશ ઠાકોર પર કોંગ્રેસ ઉપપ્રમુખે આરોપ લગાવ્યા છે કે કોંગ્રેસ ભવનમાં જગદીશ ઠાકોરના પુત્ર દખલગીરી કરે છે અને પીસીસી પ્રમુખની રૂએ જગદીશ ઠાકોરના પુત્ર મારા પર હુકમ કરે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું નૈમેષ ઠાકોર પિતાના પ્રમુખ હોવાનો રોફ બતાવે છે અને જો બતાવે છે તો જગદીશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીના અગ્રણી હોવાના નાતે કોઈ પગલા કેમ લેતા નથી? કે પછી હંમેશાની જેમ કોંગ્રેસમાં સગાવાદ ચાલુ જ રહેશે?
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી લગભગ ત્રણ દાયકાથી સત્તાથી વંચિત છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિ જોતા આ વર્ષે પણ સત્તા તો દૂરની વાત પણ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી એક મજબૂત વિપક્ષ પણ બનાવી શકશે કે કેમ એ પણ ગુજરાતના રાજકારણમાં એક મોટો પ્રશ્ન છે.