દેશભરમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હીની ગાદી પર કોણ બેસશે તે નક્કી કરવા માટે દેશવાસીઓ પણ સુસજ્જ થઈ રહ્યા છે. ચૂંટણીના મહાસંગ્રામને લઈ ચાલી રહેલા રાજકીય દેવપેચમા વલસાડ લોકસભાની ચૂંટણી રસપ્રદ બની રહેવાની સંભવના છે. તડજોડ, ગઠબંધન અને ચેકમેટ ચાલી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં વલસાડ લોકસભાની એસ.ટી માટેની રીઝર્વ બેઠક પર જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે પક્ષની દિલ્હીમાં સરકાર બને છે. આઝાદી પછીનાં ચુંટણીનાં રેકોર્ડ જોતાં હાઈપ્રોફાઈલ વલસાડ બેઠક જીતવા માટે ભાજપ પોતાની વ્યૂહ રચના ઘડી રહ્યું છે તો કોંગ્રેસ ફરીથી રગશિયા ગાડાની જેમ ચાલીને કિશન પટેલ માટે વિચારણા કરી રહી છે. કિશન પટેલ સામે વલસાડ કોંગ્રેસમાં ભારે હોબાળો અને વિરોધ થઈ રહ્યો છે.
2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ડૉ.કે.સી.પટેલે કોંગ્રેસનાં બે ટર્મથી લોકસભામાં વિજયી થનાર કિશન પટેલને બે લાખની લીડથી હરાવ્યા હતા. કેટલાક વિવાદોને બાદ કરી અને નાદુરસ્ત તબિયતને પાછળ ધકેલી ડો.કે.સી.પટેલ ફરી એકવાર 2019ની ચૂંટણીમાં ભાજપમાંથી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. ભાજપ ડો.કે.સી.પટેલને રીપીટ કરશે નો નિર્ણય લગભગ લેવાઇ ગયો હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે.
કોંગ્રેસ પણ ગઈ લોકસભાની ચુંટણીમાં તોતીંગ સરસાઈથી હારેલા કિશન પટેલ પર જ આ ચુંટણી નો દાવ રમવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસના કિશન પટેલને લઈ વિરોધ ફાટી નીકળ્યો છે. કિશન પટેલે પોતે વલસાડના સાંસદ રહ્યા પરંતુ તેમની કામગીરીને લઈ વલસાડના રહીશોમાં નોંધનીય વાતનો ઉલ્લેખ જોવા મળી રહ્યો નથી.
કિશન પટેલની વિરુદ્વના સમીકરણો…
- 10 વર્ષ સુધી સાંસદ રહેલા કિશન પટેલની કામગીરી અંગે લોકોમાં સરાહનીય કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડના વિકાસમાં તેમણે સાંસદ તરીકે શું કર્યું તેનો જવાબ તેમની પાસે નથી.
- 2014માં લોકસભાની ચુંટણી હાર્યા બાદ વિરોધ પક્ષ તરીકે અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સ્થાનિક સંગઠનને જોમવંતુ બનાવવામાં સદંતર નિષ્ફળ ગયા છે.
- વલસાડ સંસદીય બેઠકનાં મતદાતાઓ, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનાં અધિકારીઓમાં કિશન પટેલ અંગે હકારાત્મક પ્રતિભાવ સાંભળવા મળી રહ્યા નથી.
- 2012 માં ધરમપુરની વિધાનસભાની બેઠક પર ચુંટાયેલા ઈશ્વર પટેલને 2017માં વિધાનસભાની ટીકીટ મેળવવા માટે ભારે પ્રયાસો કર્યા હતા અને લોબીંગ કર્યું હતું. પરંતુ ઈશઅવર પટેલને ટીકીટ મળતા કિશન પટેલ સામે ઈશ્વર પટેલ વિરુદ્વ કામ કરી તેમને હરાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થતાં રહ્યા છે.
- પોતાના હોમ ટાઉનમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર પટેલને નહીં જીતાડી શકેલા કિશન પટેલ માટે 2019ની લોકસભાની ચુંટણી સામે પ્રવાહે લડવા બરાબર છે.
- રાજકીય પંડિતોનું માનવું એવું પણ છે કે હાલમાં વાંસદાનાં આક્રમક ધારાસભ્ય ડો.અનંત પટેલ આ બેઠક માટે ઉભરતા ઉમેદવાર બની શકે છે. કારણ કે આદિવાસી રાજકારણમાં જોશ અને હોશ બંને સાથે આ ઉમેદવાર કોંગ્રેસના ડૂબતા જહાજને બચાવી શકે એમ છે.
- 2017ની ધારાસભાની ચુંટણીમાં વલસાડ જિલ્લાની પાંચ બેઠકોમાંથી ફક્ત કપરાડાની બેઠક જ ખુબજ નજીવી બહુમતીથી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી જાળવી શક્યા છે.
વલસાડની સંસદીય બેઠકમાં વાંસદા અને ડાંગ ધારાસભાની બેઠકો પણ આવે છે. આ બંને બેઠકો પૈકી ધારાસભાની ચુંટણીમાં તત્કાલીન ધારાસભ્ય છનાભાઈ ચૌધરી રાજીનામું આપ્યું છતાં પણ ડો. અનંત પટેલ જીત્યા હતાં.રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બામટી ખાતે લાલ ડુંગરી મેદાન પર થી 2019 લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફુંકવાના છે ત્યારે આવનારા સમયમાં વલસાડની હાઈ પ્રોફાઈલ લોકસભા બેઠક ભાજપ કે કોંગ્રેસમાંથી કોના ગળે હારમાળા પહેરાવે છે? તે હવે જોવાનું રહે છે.