ગુજરાતની રાજનીતિમાં 9 માર્ચ 2019 અત્યંત મહત્વનો દિવસ હતો. તે દિવસે સમગ્ર રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી. પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી અને બીજા નેતાઓએ પક્ષાંતર કરવા માટે દિલ્હીથી આવેલી સૂચના પ્રમાણે તખ્તો ગોઠવી લીધા બાદ 12 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે રાજકીય ફેરફારના નિર્ણયો લીધા હતા. 4 અને 5 માર્ચ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યારે તમામ રાજકીય ઉથલપાથલ થવાની હતી તેની ચર્ચા કરીને યોજનાને મંજૂરી આપી અને પ્રધાન મંડળનું વિસ્તરણ કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આદેશ આપ્યો હતો. વિશ્વના સૌથી મોટા પક્ષના વડા પણ પક્ષાંતર કરાવી રહ્યાં છે.
ભારે ઉતાર ચઢાવ બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થયું છે. ગાંધીનગરના રાજભવન ખાતે વિજય મૂર્હતમાં ભાજપની શપથવિધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા હતા. ત્રણેય મંત્રીઓના ખાતાઓ વિશે ફાળવણી કરવામાં આવી નહોતી. પરંતુ શપથવિધી કાર્યક્રમ બાદ સીએમ વિજય રૂપાણી સાથે બંધબારણે મીટિંગ કરી હતી.
9મી માર્ચે સમગ્ર ગુજરાતમાં બનેલી વ્યાપક ઘટનાઓ બદલાતાં રાજકીય નીતિ નિયમો અને સમીકરણ બતાવી રહ્યાં છે. એક દિવસમાં બનેલી રાજકીય ઘટનાઓ ગુજરાતનો ઇતિહાસ કલંકિત કર્યો છે. ઘટનાઓ જ બતાવે છે કે ગુજરાત કઈ રીતે રાજકીય અધોગતિ તરફ ધકેલાઈ ગયું છે.
સૌરાષ્ટ્રના 9 પ્રધાન
પ્રધાનમંડળમાં મુખ્યમંત્રી ઉપરાંત સૌરભ પટેલ, આર.સી.ફળદુ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, અને હવે જવાહર ચાવડા, કેબિનેટ મંત્રી છે. જ્યારે વિભાવરીબેન દવે, પરસોત્તમ સોલંકી અને હવે ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજયકક્ષાના મંત્રી છે. તેમાંથી કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, જયેશ રાદડિયા, પરસોતમ સોલંકી અને ધમેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસી ગોત્રના છે. 5 કેબિનેટ પ્રધાનો અને 3 રાજયકક્ષાના પ્રધાનો પણ સૌરાષ્ટ્રના છે. કેન્દ્ર સરકારમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ સૌરાષ્ટ્રમાંથી પ્રધાન છે.
સાણંદ
આ સ્થિતિ વચ્ચે સાણંદથી ભાજપના ધારાસભ્ય કનુ કમરશી કોળી પટેલ તો સીધા જ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને રજૂઆત કરી આવ્યા હતા.
કેશોદ
છ ટર્મથી સામા પ્રવાહે ચૂંટાતા કેશોદના કેશુભાઈ નકરાણી અને તેમના કાર્યકરો દ્વારા રોષ ઠાલવ્યો હતો. કેશોદના હોદ્દાદરોએ પણ ગાંધીનગર રજૂઆત કરવા નિકળ્યા હતા.
ગોધરા
રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસના 14 ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જેમાં 8 ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી હતી. જેમાંથી 2 જીતી શક્યા હતા. તેમાં જામનગરના હકુભા જાડેજા મંત્રી બની જતાં ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી નારાજ થયા હતા. 4 ટર્મથી ચૂંટાતા રાઉલજી પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. તેમને પંચમહાલથી ટિકિટનો વાયદો કરીને સમજાવી લેવાયા હતા.
પંચમહાલ
સી કે રાઉલજીને લોકસભાની ટિકિટ આપવાની છે એ આ વાત બહાર આવતા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ભાજપ જો પોતાની ટિકીટ કાપશે તો જોઈ લેશે તેવી ખુલ્લી ધમકી આપી હતી.
ભાજપના કાર્યકરો
કોંગ્રેસના પેરાશુટને સીધા જ કેબિનેટ પ્રધાન બનાવી દેવાની લહાણી કરાતાં ભાજપના ઘણાં ધારાસભ્યો અને કાર્યકરો નારાજ થયા હતા.
અમરેલી
રાજ્યના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના વતન અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં આગ લાગે તે માટે ભાજપે પલીતો ચાંપીને પક્ષાંતર કરવાની યોજના તૈયાર કરી છે. સાવરકુંડલાની ખેત ઉત્પન્ન બજાર સમિતિની કચેરીમાં બેઠક મળી હતી. દિપકભાઈ માલાણીની આગેવાનીમાં તાલુકાના કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસના પીઢ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરુ કહ્યું હતું કે, અમરેલી જિલ્લાની કોંગ્રેસ પીવીસી એટલે કે પરેશ (પરેશ ધાનાણી) વીરજી (વીરજી ઠુંમર) કોંગ્રેસ બનીને રહી ગઈ છે. પીવીસીના કારણે કોંગ્રેસ તૂટી રહી છે. આ નેતાઓ જ કોંગ્રેસને તોડીને પણ પોતાની મનમાની ચલાવી રહ્યાં છે. તેથી નિર્ણય લેવા માટે કોંગ્રેસ પ્રદેશ નેતાઓને તેમણે અપીલ કરી હતી.
રાજ્યમાં જાહેરાતોની ભરમાર
લોકસભાની ચૂંટણી અંગે ચૂંટણી પંચ તારીખ જાહેર કરે અને આચારસંહિતા લાગુ પડે તે પહેલા રાજ્યભરમાં ઉદઘાટન, શિલારોપણ, ભૂમિપૂજન સહિત અનેક કાર્યક્રમો વડાપ્રધાને કરી લીધા બાદ હવે તાલુકા કક્ષા સુધી મુખ્ય પ્રધાન અને સમગ્ર પ્રધાન મંડળ તથા ભાજપના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો અને નગરપાલિકા તથા મહાનગર પાલિકાના હોદ્દેદારો દ્વારા ઉદઘાટનો રવિવારથી શરૂ થઈ રહ્યાં છે. જેથી વધુ મત મેળવી શકાય એવો પ્લાન છે. તે પહેલાં બદલીઓ કરી દેવામાં આવી છે.
વડગામ
તો હાર્દિકને ટેકો: મેવાણી
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જાહેર કર્યું કે, હાર્દિક પટેલ ભાજપ સિવાય કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડશે તો તેને પરું સમર્થન આપીશે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈને રાજકીય આત્મહત્યા ના કરે તો સારું. ભાજપ વોશિંગ મશીન છે. મેલા કપડા નાંખો તો બીજી બાજુ ધોવાઈને બહાર આવે છે. પણ પણીનો ગંદું કરે છે.
પાંચ પેટા ચૂંટણીની ચર્ચા
ઊંઝા, માણાવદર, જૂનાગઢ, ધ્રાંગધ્રા, તાલાલા વિધાનસભા બેઠક પર ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોવાથી પેટા ચૂંટણી યોજવા માટે તારીખ નક્કી કરવા ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે પણ ભાજપ સરકાર અને તેના નેતાઓ ઈચ્છશે ત્યારે તેઓ ચૂંટણી યોજશે.
કોંગ્રેસનું પ્રધાન મંડળ
ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસના નેતા હોય એવા 33 ટકા ધારાસભ્યો છે. 22માંથી 7 પ્રધાનો કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, હકુભા જાડેજા, જયેશ રાદડિયા, બચુ ખાબડ, પરબત પટેલ અને જયદ્રથસિંહ પરમાર મૂળ કોંગ્રેસના છે.
પાંચનું પક્ષાંતર
2019માં 5 ધારાસભ્યો કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં લેવામાં આવ્યા છે. જેમની સામે ઘણાં આરોપો હતા. કેસ હતા. તેમને પક્ષાંતર કરવાની ફરજ અમિત શાહની મંજૂરીથી આપવામાં આવી હતી. વળી, 2007માં 1 ધારાસભ્ય, 2012માં 11 ધારાસભ્ય અને 3 સાંસદ, 1 પૂર્વ નાયબ મુખ્યમંત્રી, 108માં 14 ધારાસભ્યોને અને 1 સાંસદને ભાજપમાં લેવામાં આવ્યા હતા.
ભાજપના નેતાના પૂત્રની ઘરપકડ
ભાજપના નેતા ભાનુશાળી હત્યાના કાવતરું કરનારા ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થ કાવતરા અંગે જાણતો હોવાથી તેમની ધરપકડ થઈ હતી. સિધ્ધાર્થ ભાનુશાળીની હત્યા માટે નીકળેલા શૂટરોને બાઈક અને હેલ્મેટ પુરું પાડયું હતું. વિદેશ ભાગી ગયેલા છબીલ પટેલની સૂચના મૂજબ કામ કરતો હતો. ભાજપના નેતા છબીલ પટેલના વેવાઈ રસિક પટેલ, ભત્રીજા પિયૂષ વાસણીએ સાક્ષીને ડરાવવા તેના ઘરની રેકી કરી હતી.
જામનગર
ભાજપના સાંસદ પૂનમ માડમના કોંગ્રેસ પક્ષના નેતા અને તેમના કાકા વિક્રમ માડમ જામનગરમાં હાર્દિક પટેલને લાવીને ભાજપને હરાવવાનો કારશો રચ્યો હતો. કારણ કે ભાજપ રિવા જાડેજાને ટિકિટ આપવાનું હતું. પણ પછી હાર્દિક જામનગરથી ચૂંટણી લડશે એવું જાહેર થતાં ફરી પૂનમને જ ટિકિટ આપવાનું નક્કી કરીને જામનગરના મૂળ કોંગ્રેસના અને હાલ ભાજપમાં ચૂંટાયેલા ધારાસભ્ય હકુભા જાડેજાને પ્રધાન મંડળમાં લેવા પડ્યા છે. ભાજપમાંથી પૂનમ માડમ ચૂંટણી લડે તો સામે કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ચૂંટણી ન લડે એવી સમજૂતી કાકા અને ભત્રિજી વચ્ચે થયેલી છે.
અમરેલી
કોંગ્રેસના 8 નેતાઓએ નિવેદન જારી કર્યું હતું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના કોંગ્રેસના આગેવાન દિપક માલાણી દ્વારા છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસ પક્ષ વિરોધી કામ કરતાં હોવાથી પક્ષને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષે તેમને સાવરકુંડલા તાલુકા સમિતિના 7 વર્ષ પ્રમુખ રાખ્યા હતા. 2007ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભાના ઉમેદવાર તરીકે પસંદ કરેલા હતા. અમરેલી જિલ્લા પંચાયતની2015માં આપની પત્નીને ટિકિટ આપવા કહ્યું તો પક્ષે તમારી વાત માની તેમને જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનાવેલાં બતા. તેમ છતાં 2012 અને 2017ની વિધાનસભાની ચૂઠણીમાં પક્ષ વિરોધી કામ કર્યું હતું હવે પક્ષના નેતાઓ સામે કામ કરી રહ્યાં છો. જિલ્લાના ભાજપના સાંસદ સાથે મીલીભગત કરી માર્કેટીંગ યાર્ડમાં સત્તા મેળવવા માટે પક્ષના નેતાઓ સામે આરોપો મૂકી રહ્યાં છો. આ સમગ્ર ધટનાક્રમથી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના આગેવાનો તેમજ સમગ્ર જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ આપને નેસનસથી ઓળખી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ આગેવાનો તથા ધારાસભ્યો વિરૂઘ્ધ ખોટા નિવેદનો કરી પક્ષને નુકસાન કરી રહ્યા છો. ત્યારે તમારા જેવા જયચંદોની કોંગ્રેસપક્ષને કદાપી જરૂર નથી. તેમ મનુ ડાવરા, હાર્દિક કાનાણી, બાબુ પાટીદાર, અશ્વિન ધામેલીયા, લલીત ઠુંમર, ભરત હપાણી, મનીષ ભંડેરી, જનક પંડયાએ જણાવેલું હતું.
સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છે. અમરેલી જીલ્લા પંચાયતના સમિતિના અધ્યક્ષની આગેવાનીમાં સાવરકુંડલા તાલુકા પંચાયત તોડવા માટે ભાજપે કામ શરુ કર્યું છે. ભંગાણ થતાં તાલુકા પંચાયત ગુમાવવી પડે તેવી સ્થિતી ઊભી થઈ રહી છે. કોંગ્રેસના 5 સભ્યોનું પક્ષાંતર કરવાનું ભાજપે નક્કી કરી લીધું છે. કોંગ્રેસના જિલ્લા પંચાયતના અધ્યક્ષ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ જાય તે માટે ભાજપના નેતાઓએ તોડફોડ કરી નાંખી છે.
જૂનાગઢ: સૌરાષ્ટ્રનો જ્ઞાતિ વાદ
જવાહર પેથલજી ચાવડા ભાજપમાં જોડાઈને 27 કલાકમાં પ્રધાન બની ગયા છે. સૌરાષ્ટ્રમાં આહીર મત લેવા માટે ભાજપે 100 કરોડની સંપત્તિ ધરાવતાં ગુજરાતના ત્રીજા નંબરના ધનવાન ધારાસભ્ય છે. 70-80માં દાયકાથી જવાહરનો પરીવાર સૌરાષ્ટ્રની બેઠકો માટે કોંગ્રેસને ચૂંટણી ફંડ આપતો. પિતા પેથલજી ચાવડા તત્કાલીન મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના મિત્ર હતા. જેમણે સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદ ભડકાવ્યો હતો. પેથલજી ચાવડાએ આહિર સમાજને દાન આપ્યા છે. ભાજપ પાસે કચ્છના વાસણ આહિર સિવાય આહીર સમાજનો કોઈ જ મજબૂત ચહેરો ન હતો. હવે તેનો ઉપયોગ ભાજપ દ્વારા આહીર મત મેળવવા માટે કરાશે. આમ ભાજપ હવે જ્ઞાતિવાદ પર ઉતરી આવ્યો છે. પહેલા કોળી સમાજ અને હવે આહીર મત મેળવવા ભાજપે પક્ષાંતર કરાવીને પ્રધાન બનાવ્યા છે. આહીર પહેલાથી
ભાજપ સાથે રહેલા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા સૌથી વધુ ટિકિટો આપી હતી. જવાહર ચાવડા, અમરિષ ડેર, ભગા બારડ અને વિક્રમ માડમ એમ સૌરાષ્ટ્રમાંથી જ 4 ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા. હવે તેમાંથી બે ઓછા થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં પશ્ચિમ કાંઠે જામનગર- દ્વારકા અને દક્ષિણમાં જૂનાગઢ- ગીર સોમનાથ, અમેરેલીમાં સૌથી વધુ વસ્તી હોવા છતાંયે ભાજપે એક પણ ઉમેદવાર આપ્યો ન હતો. આ ભુલને સરભર કરવા સૌરાષ્ટ્રની 7 લોકસભા બેઠકોમાં કોળી- આહિર મતોને ભાજપ તરફે ધ્રુવિકરણ કરવા જવાહર ચાવડાને ભાજપ આગળ કરશે.
અમદાવાદમાં અલ્પેશનું નિવેદન
અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા પત્રકાર પરિષમાં કહેવામાં આવ્યું હતું કે,હું કે મારી પત્ની લોકસભાની ચૂંટણી લડવાના નથી. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું. હું કોંગ્રેસથી નારાજ છું. આજે ભલે સત્તા નથી પણ સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે. હું સત્તા વગર રહી શકું સન્માન વગર નહીં. હું કોંગ્રેસમાં રહીને સંઘર્ષ કરીશ. હું જે ઈચ્છું તે બધુ મળી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓએ બોલાવ્યા બાદ અમદાવાદ પરત ફરેલા અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાનો ઈન્કાર કર્યો હતો.
કુંવરજી મોદીને મળ્યા
કુંવરજી બાવળિયાને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ભાજપમાં લાવવાની જવાબદારી સોંપાઇ છે. જેથી કુંવરજી બાવળિયા તમામ કાર્યક્રમો રદ કરી દિલ્હી ભાજપના દરબારમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી અને કુંવરજી બાવળિયા વચ્ચે ઓબીસી નેતાઓને કેવી રીતે ભાજપમાં પક્ષાંતર કરાવવું તે અંગે પણ ચર્ચા થઇ હતી. અગાઉ કુંવરજી બાવળિયા અને આશા પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઇ ચૂક્યા છે. કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, હું અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય સંમેલનને લઇને દિલ્હી આવ્યો છું. તેને લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ચર્ચા કરીશ.
પાલનપુર: મુખ્ય પ્રધાનનું જૂઠ
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાનમંડળ વિસ્તરણની અટકળોને ફગાવી દીધી હતી. પાલનપુરમાં પત્રકારોએ પ્રધાન મંડળના વિસ્તરણ થશે કે કેમ તે અંગે પ્રશ્નનો પૂછેલાં તેનો જવાબ આપતા મુખ્યપ્રધાન રૂપાણીએ કેબિનેટ વિસ્તરણની વાત ફગાવી હતી. સચિવાલયમાં બે પ્રધાનો માટે કચેરી સાફસુફી પણ થઇ હોવા છતાં મુખ્યપ્રધાન રૂપાણીની સ્પષ્ટતા બાદ અટકળોનો અંત આવી ગયો છે.
ગાંધીનગર: ભાજપના પ્રમુખ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોર સાથે આ બાબતે મારે કોઇ જ વાતચીત નથી થઇ. પરંતુ ભાજપથી પ્રભાવિત થઇને કોઇપણ વ્યક્તિ ભાજપમાં જોડાવવા માંગતું હોય તો તેનું સ્વાગત છે. આ અંગે અમારે નહીં પરંતુ ભાજપમાં જોડાવવા માંગતી વ્યક્તિએ નિર્ણય કરવાનો હોય છે. અમે લોકો પાર્ટી લઇને બેઠા છે ત્યારે જેઓને આવવું હોય તે તમામનું સ્વાગત કરવા અમે તૈયાર છીએ.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, તમામ માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. લોકો ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસ કામોને જોઇને પક્ષમાં આવી રહ્યા છે. જાહેર જીવનમાં રહેલી દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. દરેક વ્યક્તિ ક્યાં જવું અને ક્યાં રહેવું તે અંગે સારી રીતે જાણતી હોય છે એટલે જેને આવવું હોય તેને અમે આવકારીશું.
કોંગ્રેસ પ્રમુખ
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષાંતર અંગે કહ્યું હતું કે, પ્રજાને આપેલા વાયદા કરેલા તે પૂરા કરી શકી નથી. તેથી લોકો ભાજપથી નારાજ છે. વિશ્વની મોટી પાર્ટી હોય તો તે કોંગ્રેસના ધારાસભ્યોનું પક્ષાંતર કરાવીને તેમને કેમ સત્તા આપી રહી છે. કારણ કે તમામ મોરચે ભાજપ નિષ્ફળ છે. ભાજપ લોકશાહી ખતમ કરવા તરફ ઉતરી આવી છે. 22 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. હવે તે પોતાના કામના કારણે પ્રજાની વચ્ચે જઈ શકે તેમ નથી. તેથી તે આવું કરી રહ્યો છે.
ગાંધીનગર: ભાજપની બેઠક
પક્ષાંતર થઈ ગયા બાદ ભાજપ માટે કઈ રીતે આહીર જ્ઞાતિ અને કોળી જ્ઞાતિનો ફાયદો લેવો તે અંગે ભાજપના નેતાઓએ ચર્ચા કરી હતી. લોકસભાની બેઠકને લઇને સમીક્ષા કરવા માટે ભાજપે 10 માર્ચ 2019માં બેઠક બોલાવવું નક્કી કર્યું હતું. BJP પ્રભારી ઓમ માથુર અમદાવાદથી રાજકોટ પહોંચ્યા હતા.
રાજકોટ
જૂનાગઢમાં પક્ષાંતર પછી પ્રધાન મંડળની રચના કરી લીધા બાદ માથુર સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ભીખુ દલસાણીયા રાજકોટ પહોંચી ગયા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીના બહેન આચાર્ય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. BJP પ્રભારી ઓમ માથુરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરતા પહેલા પોતાનું ઘર સંભાળે. કોંગ્રેસ પહેલા ધારાસભ્યો એક પછી એક રાજીનામા કેમ આપી રહ્યા છે, તેની સમીક્ષા કરે અને પછી ભાજપ પર આરોપ કરે.
બીજા ધારાસભ્યોનો સંપર્ક
જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ પટેલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, લલિત કગથરા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મળીને કૂલ 10 જેટટલાં ધારાસભ્યોને ભાજપમાં આવવા માટે સંપર્ક કરાયો હતો. પણ તે તમામ ધારાસભ્યોએ સ્પષ્ટ પણે કહી દીધું હતું કે તેઓ સત્તાની પાછળ નથી તે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે. મતદારોને વફાદાર છે. કંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે તે અમારા ધારાસભ્યોને દબાવી- ધમકાવીને પોતાની શરણાગતિ સ્વીકારવા મજબૂર કરે છે.
પોરબંદર: અર્જુન મોઢવાડીયાની સ્પષ્ટતા
8 માર્ચ 2019માં ઈરાદાપૂર્વ એવી અફવા ફેલાવવામાં આવી હતી કે, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે, પરંતુ તેમને મીડિયા સામે આવીને આ વાતને રદીયો આપ્યો હતો. અને આ વાતને હાસ્યાસ્પદ ગણાવી હતી. હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ ક્યારેય છોડીશ નહીં. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઇ હતી જેને બ્રિજેશ મેરજાએ રદિયો આપ્યો છે સોશ્યલ મીડિયામાં તેમને એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં ધારાસભ્ય એમ જણાવે છે કે તેના હિત શત્રુઓ ખોટી અફવા ફેલાવી રહ્યા છે કોંગ્રેસ પક્ષે મને ઘણું આપ્યું છે અને હું કોંગેસ સાથે જ જોડાયેલો રહીશ તેમ સ્પષ્ટ જણાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર: સોમા ગાંડાની અફવા
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના મજબૂત નેતા સોમા ગાંડા કોળી પટેલ ભાજપમાં જોડાઈ રહ્યાં છે એવા દર વખતે અફવા ભાજપ દ્વારા ફેલાવવામાં આવે છે તેમ આ વખતે પણ અફવા ફેલાવવામાં આવી હતી. તે અંગે તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસમાં છું અને રહીશ. ભાજપે મારો ક્યારેય સંપર્ક કર્યો નથી. હું કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસમાં હતો ત્યારે પણ હતો અને આજે પણ તેમની સામે છું. તેથી કુંવરજી બાવળીયા મને ક્યારેય મળે નહીં. મારી ખોટી અફવા છે. જોકે , તેમણે નરેન્દ્ર મોદી સામે તેમના પત્ની અંગે આરોપો મૂકેલા ત્યારથી તેઓ ભાજપના હીટ લીસ્ટમાં છે.
અમદાવાદ – સાણંદ: અહેમદ પટેલે 1 લાખ આપ્યા
રાજયસભાની ચૂંટણીમાં એહમદ પટેલની જીત સામે થયેલી અરજીમાંમાં સાણંદના પૂર્વ ધારાસભ્ય કરમશી પટેલે ગુજરાતની વડી અદાલતમાં 9 માર્ચ 2019માં જુબાની આપતાં કહ્યું હતું કે, ધારાસભ્યોના અપહરણના ડરથી ભરતસિંહ સોલંકીને મળવા ધારાસભ્યોને તાજ હોટલમાં હાજર રહેવા માટે શૈલેષ પરમાર દ્વારા મને જાણ કરાઈ હતી. અહેમદ પટેલ દ્વારા તમામ જગ્યાએ મને ધમકી, ડર સાથે પ્રલોભનો આપ્યા હતા. ઉપરાંત મારા સિવાય બીજા ઘણા ધારાસભ્યોને ડર હોવાથી કોઈ ફરિયાદ કરી નહોતી. શકિતસિંહ ગોહિલે મારા સ્વાસ્થ્યનું ખોટું પ્રમાણપત્ર બનાવીને મારો મત અર્જુન મોઢવાડિયા આપે એવો પ્રયત્ન કર્યો હતો. અહેમદ પટેલના કહેવાથી રાજુ પરમાર દ્વારા બધા ધારાસભ્યને પ્રત્યેકને રૂ.1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. અમદાવાદથી બેંગ્લુરુ લઈ ગયા ત્યારે અમને રિસોર્ટ પહોંચ્યા પછી અહેમદ પટેલ દ્વારા બધા ધારાસભ્યોને મોટી બેગ આપી હતી. તેમજ કપડાં ચપ્પલ અને બૂટ અપાવ્યા હતા. પણ મેં લીધા નહોતા. મારા દીકરાની કાબેલિયતના આધારે ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. ગુજરાત બહાર જવાનો નિર્ણય ધારાસભ્યોએ લીધો ન હતો.
હોટેલની જેમ પક્ષની બદલી
કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યાના 3 કલાકમાં જવાહર ચાવડા ભાજપમાં જોડાઈ ગયા અને 27 કલાકમાં પ્રધાન બની ગયા. ગુજરાતની રાજનીતિમાં આ બ્લેક ફ્રાઈડે પુરવાર થયો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં મને કોઈ વાંધો નહોતો, પણ ત્યાં મજા નહોતી. જેમ નવી હોટલમાં જમવા જાઈએ એમ નવી પાર્ટીમાં આવ્યો છું. પત્રકારો એક ન્યૂઝ ચેનલમાંથી બીજી ટીવીમાં
જાય એમ હું પણ નવી પાર્ટીમાં આવ્યો છું. કોંગ્રેસમાં બધો હિસાબ પૂરો કરીને ભાજપમાં આવ્યો છું. કોંગ્રેસની ટિકિટને આધારે ધારાસભ્યપદ મળ્યુ હતું. મે પ્રજા સાથે દ્રોહ નથી કર્યો. સોદાબાજીનો ઈન્કાર કર્યો હતો. મંત્રી બનવાના હોવા છતાં એક કલાક પહેલાં તેઓ કહેતા હતા કે તેમને ખબર નથી. જયેશ રાદડિયા જવાહર ચાવડાને ભાજપમાં લાવ્યાનું કહેવાય છે. જયેશ રાદડિયા કોંગ્રેસમાં હતા ત્યારે અને તે પહેલાથી જવાહર ચાવડા સાથે તેમની મિત્રતા હતી.
હળવદ
હળવદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા પરોસત્તમ સાબરિયાએ ભાજપમાં જોડાવા માટે નક્કી કરી લીધું છે. પરસોત્તમ પોતે મોટા ઉદ્યોગપતિ છે અને વિશ્વના મોટા તમામ દેશોની અનેક વખત મુલાકાત લઈ ચૂકયા છે. તેમના ઘણાં ઉદ્યોગોમાં જે ભાગીદાર હતા તેમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને લાફા મારવામાં આવ્યા હતા અને કહેવામાં આપ્યું હતું કે તે કાંતો પરસોત્તમની ભાગીદારીનો ધંધો છોડી દે કાંતો પરસોત્તમને માનાવી લે. મોરબી જીલ્લા નાની સિંચાઈ કોભાંડમાં ઝડપાયા બાદ જેલવાસ ભોગવી હાલ જામીન મુક્ત છે અને થોડા દિવસો પૂર્વે જ કેબીનેટ કક્ષાના મંત્રી અને કોળી સમાજના કદાવર નેતાએ પરષોતમભાઈને ભાજપમાં જોડાવવા માટે ઓફર આપી હોવાની વાતો વહેતી થઇ હતી.