બારડોલી લોકસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસમાં ધમાચકડી મચી છે. કેટલાય નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ પહોંચ્યા છે તો હવે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે. ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાને લપડાક આપી કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે.
ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાના ભાજપના ગઢ મનાતા વાડી ગામમાં કોંગ્રેસે ઓપરેશન કરી ભાજપને લપડાક આપી છે. ગણપત વસાવાના અંગત મદદનીશ અને વાડી ગામના માજી સરપંચ હરીશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઉંમરપાડા ખાતે યોજાયેલા કોંગ્રેસના સંમેલનમાં હરીશ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર અને માજી મંત્રી તુષાર ચૌધરીની હાજરીમાં કોંગ્રેસની કંઠી બાંધી હતી.
બારડોલી નગરપાલિકાના ત્રણ કોર્પોરેટરોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ હતી. હવે ગણપત વસાવાના અંગત મદદનીશ કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.