વલસાડના કપરાડા ખાતે જાનમપાડા ગામમાં વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર કેસી પટેલની સભામાં સવાલ પૂછવા માંગી રહેલા ભાજપનાં જ કાર્યકરને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. યુવાનો પોલીસ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે કપરાડાના છેવાડાના ગામ જામનપાડાના તુંબી ગામના સર્કલ પાસે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે ભાજપના ઉમેદવાર કેસી પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં અંદાજે 150-200 લોકો હાજર હતા. કેસી પટેલનું ભાષણ પુરું થતાં તુંબી ગામના યુવાન નામે મણીલાલ ગવળી દ્વારા સાંસદ કેસી પટેલને સવાલ કર્યો હતો. મણીલાલ ગવળીએ સવાલ કર્યો હતો કે 2014ની ચૂંટણીમાં દેખાયા હતા અને ત્યાર બાદ એક પણ વખત ગામની મુલાકાત લીધી નથી. જ્યારે હવે ફરી ચૂંટણી આવી છે ત્યારે દેખાયો છો. ગામના ક્યા કામો કર્યા તે જણાવશો અને તેનો હિસાબ આપો.
મણીલાલ ગવળીના સવાલોના જવાબ આપવાના બદલે કેસી પટેલ અને તેમની સાથે આવેલા કાર્યકરોએ સભા પુરી થઈ ગઈ છે, હવે કોઈ સવાલ પૂછવો નહીં એવું કહ્યું હતું અને કેસી પટેલ તો રીતસર ચાલતી પકડી હતી.
કેસી પટેલના રવાના થયા બાદ ભાજપના કાર્યકરો અને કેસી પટેલના સમર્થકોએ મણીલાલ ગળવી સાથે સવાલ પૂછવા બાબતે બબાલ કરી હતી અને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. મણીલાલને માર મારવામાં આવતા સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મણીલાલે કેસી પટેલના સમર્થકો મહેશ ગવળી, મનાભાઈ ગવળી, બાલુભાઈ ગવળી, ગોપજી ગવળી, ગોવિંદ ચૌધરી અને વિનોદ ચૌધરી વિરુદ્વ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.