લોકસભાની ચૂંટણીના પડઘમની વચ્ચે પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા 49 જવાનોની ઘટનાના પગલે લોકસભાની ચૂંટણી પર તેની અસર પડવાનાં સંકેત મળી રહ્યા છે. હાલ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી પરંતુ બદલાયેલા સમયમાં વિકટ સ્થિતિનો દેશ સામનો કરી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી પાછી ઠેલાવાના એંધાણ મળી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મે મહિનાની વચ્ચે થવાનો રાબેતા મુજબનો શિડયુલ છે. 17મી લોકસભા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે અને પંચે તમામ રાજ્ય સરકારોને વહીવટી નિર્ણયો અને અધિકારીઓની ટ્રાન્સફર માટે 18મી ફેબ્રુઆરી સુધીની સમય મર્યાદા આપી હતી અને કહ્યું હતું કે આ તમામ પ્રક્રિયા 18મી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવે અને તે પ્રમાણે ગુજરાત સહિતના રાજ્યોમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીની સાથો સાથ આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, સિક્કીમ અને જમ્મૂ-કાશ્મીરમાં પણ ચૂંટણી યોજવાની શક્યતા હતી પરંતુ પુલવામા અટેક બાદ લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમય પર થવા વિશે હાલ પુરતી રીતે કશું પણ કહી શકાય એમ નથી. પુલવામા અટેક બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્વ ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે અને લોકો રસ્તા પર ઉતરીને શ્રધ્ધાંજલિ સહિતના કાર્યક્રમો આપી રહ્યા છે. લોકોએ મોદી સરકારને 49 જવાનોનાં બલિદાનનું સાટું વાળવા માટે સતત મારો ચલાવ્યો છે.
કેન્દ્ર સરકારે ગૃહ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજી હતી અને આ બેઠકમાં તમામ પક્ષોએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ દાખવી આકરી કાર્યવાહી કરવા મામલે સંમતિ દર્શાવી છે. આમ પુલવામાની ઘટનાની સીધી અસર લોકસભા અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર પડી રહી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
લોકસભાની ચૂંટણી માટે 45 દિવસનો સમય આપવામાં આવે છે પરંતુ તે પહેલા ચૂંટણી પંચ દ્વારા આચારસિંહતા લાગુ કરી ચૂંટણી માટે મતદાનની તારીખ અને સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે છે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતમાં પણ વિલંબ થવાની શક્યતા જોવા મળી રહી છે.