શારદા ચીટ ફંડ મામલે કોલાકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારને ઘરે પહોંચેલી CBIની સાથે કોલાકાતા પોલીસની અથડાણને લઈ મહાસંગ્રામ છેડાઈ ગયું છે. દેશમાં આ પહેલો બનાવ છે જેમાં CBI અને પોલીસ વચ્ચે સીધું યુદ્વ છેડાયું હોય. તમને જણાવી દઈએ કે CBIની રચના અને કાયદા પ્રમાણે કોઈ પણ રાજ્યમાં કાર્યવાહી કરતા પૂર્વે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જોગવાઈ છે. CBIની રચના દિલ્હી વિશેષ પ્રતિષ્ઠાન અધિનિયમ-1946ના અનુસંધાને કરવામાં આવી છે. આ અધિનિયમની કલ-5 પ્રમાણે દેશના તમામ ક્ષેત્રમાં CBIને તપાસ કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. પરંતુ તેની સાથે જ કલમ-6માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્ય સરકારની અનુમતિ વિના CBI રાજ્યના અધિકાર ક્ષેત્રમાં પ્રવેશ કરી શકતી નથી.
કેટલાક દિવસો પહેલાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢની સરકારોએ કલમ-6નો ઉપયોગ કરી પરમીશન વિના CBIની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. આ રોક પ્રમાણે કેન્દ્રીય અધિકારીઓ, સરકારી સંસ્થાઓ અને કોઈ પણ વ્યક્તિની CBI સીધી તપાસ કરી શકશે નહીં. જોકે, કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારોના આદેશને રદ્દ કરી શકાય છે.
નોંધનીય છે કે CBIએ રવિવારે શારદા ચીટફંડ મામલે કોલકાતાના પોલીસ કમિશનરની તપાસ કરવા તેમના આવાસે દરોડા પાડ્યા હતા. જ્યાં પોલીસ અને CBI વચ્ચે ઘર્ષણ થયું હતું અને CBIની ટીમની અટક કરવામાં આવી હતી. આ ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ઘરણા પર બેસી ગયા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં CBIની અરજી પર કોર્ટે કહ્યું કે કોલકાતા પોલીસ કમિશનર વિરુદ્વ પુરાવા લઈ આવો. હવે આ મામલે આવતીકાલે સુનાવણી કરવામાં આવશે.