ગુજરાત સરકારની દારૂબંધીના કડક કાયદાની પોકળ વાતો વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરે અશોક બારૈયાએ રજૂઆત પોલીસને કરી કે, અમારા વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી-દેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. હવે તેમની આ રજૂઆત તેમના માટે મુસીબત બની છે કારણ કે, હવે આ મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે. આજે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ ધરણાં અને આવેદન પત્ર આપવા પહોંચ્યાં હતા પરંતુ ધરણાંની મંજુરી નહી હોવાથી કોંગ્રેસના તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિતના 20 જેટલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે, જ્યારે અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ વેચાય છે તેમ કહ્યું ત્યારે સરકારે ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂં કહ્યું હતું ત્યારે આજે તેમના જ પદાધિકારી તેના જ વિસ્તારમાં દારૂ વેચાય રહ્યો હોવાનું જણાવી સત્ય કહી રહ્યા છે. હવે આ મુદ્દે કોંગ્રેસ આજે કલેક્ટને આવેદન પત્ર આપ્યું છે. નોંધનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકાના ડે. મેયર અશોક બારૈયાએ જે વિસ્તારની વાત કરી છે તે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના મતવિસ્તારમાં આવે છે ત્યારે તેમના જ પદાધિકારીએ આ વાત કરતા રાજકારણ ગરમાયું છે.
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી પરંતુ તેમની આ કાર્યવાહી બાદ કોઈ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના શાસકપક્ષના પદાધિકારી દ્વારા આ અંગે રજૂઆત કરતા તુરંત કાર્યવાહી કરવામાં આવી હતી તેવા કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા બંન્નેએ ભાજપ ડે.મેયર અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, ડે. મેયર સત્ય કહી રહ્યા છે ત્યારે તેને અભિનંદન પાઠવીએ છીએ. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું છે. ધરણાંનો કાર્યક્રમ પણ હતો. પરંતુ ધરણાંની મંજુરી તંત્રએ આપી નહી, આ લોકશાહીનું ખુન કહેવાય. ડે. મેયર સાહેબે એસપીને રજૂઆત કરી પોતાના વિસ્તારમાં ઠેર ઠેર દારુ વેચાતો હોવાની વાત કરી, હું તેમને અભિનંદન આપું છું, તેમણે સાચુ બોલવાની વાત કરી. આ સિવાય તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ જણાવ્યું કે, આ ગુજરાત અને ભાવનગરની પ્રજાની કમનસીબી કહેવાય કે, કોંગ્રેસ ધરણાં માટે મંજુરી માંગે તો આપે નહી અને ખુલ્લેઆમ દારુની મંજુરી આપે છે. સત્તાધારી પક્ષના ઈતિહાસમાં ક્યારેક જ આવું બને કે, સત્તાધારી પક્ષના જ ડે.મેયરને રજૂઆત કરવી પડે કે, મારા ભાવનગરમાં બેફામ દારુ વેચાય છે. પ્રજા ખુબ હેરાન-પરેશાન છે. મોટા પાયે દારું વેચાય છે. આના પર મુખ્યમંત્રી અને સરકારે પગલાં લેવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આંદોલનકારીઓન આંદોલન નહી કરવા દેવાનું અને દારુ વેચવાવાળાને દારુ વેચવા દેવામાં આવે છે, આ માટે કોંગ્રેસ દરેક મોર્ચે આંદોલનાત્મક કાર્યક્રમ આપશે.