રાજસ્થાનની 15મી વિધાનસભા માટે રચાયેલ 199 ધારાસભ્યો પૈકી 158 કરોડપતિ છે. વર્ષ 2013માં આ આંકડો 145 હતો. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મની રિપોર્ટ મુજબ કોંગ્રેસના 99માંથી 82 ધારાસભ્યો, બીજેપીના 73માંથી 58 ધારાસભ્યો, બીએસપીના 6માંથી 5 અને અપક્ષના 13 ધારાસભ્યોમાંથી 11 ધારાસભ્યો એવા છે જેમની સંપત્તિનું મૂલ્ય એક કરોડથી વધારે છે.
આવકવેરામાં પોતાની કુલ સંપત્તિ જાહેર કરનાર તંવગર ધારાસભ્યોમાં પરસરામ મોરદિયા (172 કરોડ રૂપિયા), ઉદયલ આંજના (107 કરોડ રૂપિયા) અને રામકેશ (39 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ 59 ધારાસભ્યોએ તેમની શૈક્ષણિક લાયકાત 5મું ધોરણ પાસ હોવાને બદલે 12 ધોરણ પાસ દર્શાવી હતી, જ્યારે 129 ધારાસભ્યોએ સ્નાતક અને તેનાથી ઉપરની યોગ્યતા દર્શાવી હતી.
રાજસ્થાનમાં વિધાનસભા માટે ચૂંટાયેલ ધારાસભ્યોમાં 46 એવા ધારાસભ્યો પણ છે જેમની વિરૂદ્ધ ગુનાખોરીના મામલાઓ નોંધાયેલ છે. વર્ષ 2013માં 36 ધારાસભ્યો એવા હતા જેમની સામે આ પ્રકારના ગુનાઓ નોંધાયેલ હતા. આ સિવાય 199 ધારાસભ્યોમાંથી 46 ધારાસભ્યોએ ઉમેદવાર પત્રમાં તેમની વિરૂદ્ધ ગુનાખોરી મામલાઓની માહિતી આપી હતી. આમાંથી 28 ધારાસભ્યો એવા પણ હતા જેમની સામે ગંભીર ગુનાઓ નોધવામાં આવ્યા હતા.
કોંગ્રેસ તરફથી રાજ્યની લાલસોટ સીટ પરથી ચૂંટણી લડનાર પરસાદી લાલ મુજબ તેમની વિરૂદ્ધ હત્યાના આરોપનો મામલો નોંધાયેલ છે. કોંગ્રેસના 4 ધારાસભ્યો વિરૂદ્ધ હત્યાના પ્રયત્નો એટલે કે એક્ટ 307 હેઠળ ગુના નોંધાયેલ હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 29 સીટોનું નુકસાન થયું હતું. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ 2013 વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આરક્ષણ કરાયેલ 59 સીટોમાંથી 50 સીટો પર જીત મળી હતી. પરંતુ 2019 વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને આ સીટો પૈકી માત્ર 21 સીટો પર જીત મળી હતી.