રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)એ લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદી પ્રમાણે શરદ પવારની દિકરી અને સાંસદ સુપ્રિયા શૂળે શરદ પવારની સીટ બારામતીથી ચૂંટણી લડશે. જ્યારે સંજય દિના પાટીલ-મુંબઈ ઉત્તર, આનંદ પરાંજપે-થાણે, સુનીલ ટટકરે-રાયગઢથી ચૂંટણી લડશે. જ્યારે હાતકણંગલ લોકસભા બેઠક પરથી રાજુ શેટ્ટીની પાર્ટી સ્વાભિમાન શેતાકરી સંગઠનને NCP સમર્થન આપશે.
શરદ પવારે પહેલેથી જાહેર કર્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણી લડવાના નથી. જોકે, NCPના નેતાઓ ઈચ્છે કે શરદ પવાર માઢાથી ચૂંટણી લડે. પરંતુ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડવા માંગતા નથી. શરદ પવારે કહ્યું કે મારા પરિવારના બે લોકો ચૂંટણી લડી રહ્યા છે તેથી મને લાગ્યું કે મારે હવે ચૂંટણી લડવાની જરૂર નથી અને ચૂંટણી નહી લડવાનો આ યોગ્ય સમય છે.
તેમણે કહ્યું કે હું 14 વખત ચૂંટણી લડી ચૂક્યો છું. મહારાષ્ટ્રના સૌથી મજબૂત નેતાઓમાં સામેલ શરદ પવાર હાલ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પવાર પાછલી યુપીએ સરકારમાં કૃષિ મંત્રી રહ્યા હતા.