ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કપરો કાળ શરૂ થઈ ગયો છે. નીતિન પટેલે જ્યારથી રિસામણા-મનામણાનો દાવ રમ્યો ત્યારથી તેઓ ભાજપ હાઈકમાન્ડની બ્લેક લિસ્ટમાં આવી ગયા છે. નીતિન પટેલના પુત્રના લગ્નમાં પણ તેની ઝાંખી જોવા મળી હતી, હવે ભાજપને મહેસાણાની જમીન પર જ નીતિન પટેલના હાંસિયામાં ધકેલી ભાજપે કક્કો ખરો કરવાનો વળતો દાવ રમ્યો છે.
નીતિન પટેલ માટે કપરો કાળ એટલા માટે કે મહેસાણામાં ભાજપે પોતાના બળતા ઘરને સળગતું બચાવવા ઉછીના નેતાઓને લેવા માંડ્યા છે. ખાસ કરીને કોંગ્રેસના તમામ નેતાઓ પર ભાજપન નજર મંડાયેલી છે. આઈબી અને પોલીસ પાસેથી આ કામ કરાવવામાં આવી રહ્યું છે અને ખૂબ જ સાવચેતી અને સલુકાઈથી ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યા છે.
નીતિન પટેલના સેગમેન્ટ મહેસાણાની વાત નીકળે તો સીધી રીતે કોંગેસના જીવા પટેલનું નામ આવે છે. આમ તો જીવા પટેલ સુરતના પણ વર્ષોથી તેઓ મહેસાણામાં રાજકીય રીતે સક્રીય રહેલા છે. જીવા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં લેવામાં આવ્યા અને તેમને ચેરમેનપદનો શિરપાવ પણ આપી દેવામાં આવ્યો છે. હવે ઉંઝાના ધારાસભ્ય આશા પટેલનું સીધું જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવાનું પ્રકરણ પણ નીતિન પટેલની પાંખો કાપવાની રાજકીય ગણતરીપૂર્વકનું હોવાનું માનવામાં આવે છે.
નીતિન પટેલ વિના પણ મહેસાણામાં ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરવા કોંગ્રેસના નેતાઓનું ઉપરાણું લઈ રહ્યો છે. નીતિન પટેલને સાઈડ ટ્રેક કરવાનો ખેલ છે અને કોંગ્રેસના ઘરને કડડભૂસ કરીને નીતિન પટેલના રાજકીય રીતે હાથ-નાક-કાન કાપી નાંખવાની આ વેતરણ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં નીતિન પટેલ વિના પણ ભાજપ પોતાના જોરે ચૂંટણી જીતવા કમરકસી રહી હોવાનું આના પરથી ચિત્ર ઉપસી રહ્યું છે. હજુ પણ કોંગ્રેસમાંથી અનેક વિકેટ પડવાની શક્યતા જોવા મળી રહી છે ત્યારે નીતિન પટેલ પોતાના રાજકીય અસ્તિત્વ માટે શું કરે છે તે પણ મહત્વનું છે. આમ પણ ગુજરાતના રાજકારણમાં નવાજૂની ભણકારી વાગી રહ્યા છે તેવામાં નીતિન પટેલને હાંસિયામાં ધકેલી દેવા માટેના પેંતરા કરવામાં આવી રહ્યા હોવાની માહિતી જાણવા મળી રહી છે.