INX મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી અને નાણાંમંત્રી પી. ચિદંબરમ જામીન પર બહાર છે. જેલમાંથી બહાર આવતા જ ચિદંબરમે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. ચિદંબરમે વર્તમાન અર્થતંત્રને લઈને જમ્મુ કાશ્મીર મુદ્દા સુધી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થા પર મોદી સરકાર પૂરી રીતે દિશાહીન છે.
દિલ્હી સ્થિત કોંગ્રેસ હેડક્વાટરમાં મીડિયા સાથે વાત કરતા પૂર્વ ગૃહમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂપ છે. જો વર્ષના અંત સુધી વિકાસ દર 5% સુધી પહોંચે છે, તો આપણે ભાગ્યશાળી હશું. જો બિમારીની ઓળખ નહી થાય તો ઈલાજ પણ ખોટો થશે. સાચા ઈલાજ માટે જાણકારી હોવી જરૂરી છે. અર્થવ્યવસ્થાને લઈને સરકાર ભૂલો પર ભૂલો કરી રહી છે, જેને છૂપાવવા માટે આવા પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે.
પૂર્વ ગૃહમંત્રીએ કહ્યું કે, મારી જ્યારે ઘરથી ધરપકડ કરવામાં આવી તો સૌથી પહેલાં જમ્મુ કાશ્મીરના લોકોની યાદ આવી જેમને આ રીતે રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું, મંત્રી તરીકે મારો રેકોર્ડ બિલકૂલ સાફ છે. જે અધિકારીઓએ મારી સાથે કામ કર્યું છે, જે બિઝનેસ મેન મારા સંપર્કમાં આવ્યા છે અને જે પત્રકારોએ મારી સાથે વાત કરી છે, તેઓ આ વિશે સારી રીતે જાણે છે. મેં કોર્ટમાં વિચાારધીન મામલા પર ક્યારેય ટિપ્પણી નથી કરી અને હું તે સિદ્ધાંત પર કાયમ રહીશ. સુપ્રીમ કોર્ટનો આદેશ અપરાધ સંબંધિત કાયદાને લઈને અમારી સમજ પર પડેલી ધૂળના પડ સાફ કરી દેશે.