ઉંઝાના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય આશા પટેલે ધારાસભ્ય પદેથી જ રાજીનામું આપી દીધું તેમાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરીની સરેઆમ નિષ્ફળતા છતી થઈ છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્યનું રાજીનામું કોંગ્રેસ માટે મોટામાં મોટી નાલેશી ગણી શકાય એમ છે. આ તો આશા પટેલ અચાનક જ રાજકારણમાં આવ્યા હતા અને ઉંઝાની સીટ પર તેઓ ભાજપ વિરોધી મોજા તથા ભાજપના આંતરિક વિખવાદના કારણે જીત્યા હતા.
વર્ષો પછી ઉંઝાની સીટ પર કોંગ્રેસે 19 હજાર જેવી માતબર સરસાઈથી બેઠક જીતી હતી અને ભાજપને માર પડ્યો હતો. પાછલા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. સિનિયર નેતાઓએ અવગણનાનો બૂંગિયો ફૂંક્યો અને છેવટે ચાના કપનું તોફાન ચાના કપમાં સમાવાઈ ગયું. પરંતુ ધારાસભ્ય બન્યા બાદ પક્ષમાં અવગણનાની આશા પટેલની વાત ગળે ઉતરી રહી નથી. જૂથબંધી હતી તો ઉંઝા બેઠક કેવી રીતે જીત્યા, ત્યારે જૂથબંધી કેમ યાદ ન આવી.
આશા પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી પગને કુહાડી પર માર્યો છે. તેઓ રાજકારણમાં અચાનક આવ્યા અને અચાનક જ જીત્યા હતા. કોંગ્રેસમાં વર્ષોથી સક્રીય હતા અને તેમને ટીકીટ અપાઈ હતી. જો તેમને નારાજગી જ હતી તો ધારાસભ્ય પદ છોડવાની જરૂર ન હતી. ચોક્કસપણે આશા પટેલનું રાજકીય આશાનું કિરણ ઉગમતાની સાથે જ આથમણી દિશામાં પલટાઈ ગયું છે. આશા પટેલ ઉંઝા વિધાનસભા બેઠક પરથી ટીકીટ આપવાનો નિર્ણય ભરતસિંહ સોલંકીનો હતો અને આજે આ નિર્ણય બૂમરેંગ પુરવાર થયો છે. ભરતસિંહના ચેલા અમિત ચાવડાના રાજમાં કોંગ્રેસ તિતર-બિતર થઈ રહી છે અને અમિત ચાવડા અને પરેશ ધાનાણી મૂગા મોઢે તમાશો જોઈ રહ્યા છે.
બીજી વાત એવી પણ હાર્દિક પટેલ મહેસાણા લોકસભા લડવાની તૈયારીમાં છે અને તેના પડઘારૂપે આશા પટેલનું સીધે સીધું ધારાસભ્ય આંચકીને હાર્દિકને નહોર વિનાનો કરી દેવાની પણ ગંધ આવ્યા વગર રહેતી નથી. હાર્દિકે કહ્યું જ છે કે બધાનો સાથ હશે તો અને તોજ ચૂંટણી લડીશ. મૂળભૂત રીતે કોંગ્રેસ યુવા નેતાગીરી એટલે પરેશ ધાનાણી અને અમિત ચાવડા રંડ્યા પછીનું એઝ યુઝવલ ગાણું ગાય છે તો એમાં એટલું જ કહેવાનું છે કે હજુ પણ બાજી હાથમાંથી ગઈ નથી. ફિફાં ખાંડવાના બદલે પોતાના ઘરને સમુસુતરું કરે તો એ ગનીમત લેખાશે.