અમદાવાદ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટના ઉધ્ધાટન દરમિયાન બે નેતાઓના અલગ અલગ ફોટો કેમેરામાં કૈદ થયા છે. આમ તો આખાય કાર્યક્રમ દરમિયાન બન્ને નેતાઓ એક જ વખત વાત કરતા જોવા મળ્યા અને જ્યાં જરૂર પડી ત્યાં બન્ને એક બીજાથી વિરુદ્વ દિશામાં મોઢું કરીને ઉભેલા જોવા મળ્યા હતા.
અમદાવાદ મેટ્રો ટ્રેનના ઉધ્ધાટનની નિમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ કાપી નાંખવામાં આવ્યા બાદ આશ્ચર્ચજનક રીતે નીતિન પટેલ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. નીતિન પટેલની ધરાર હાજરીથી જ્ઞાતવ્ય થાય છે કે નીતિન પટેલ પોતાની બાદબાકીને આસાની લઈ રહ્યા નથી અને સરકાર હોય કે સીએમ હોય નીતિન પટેલની અવગણના કરી શકાતી નથી. નિમંત્રણ પત્રિકામાંથી નામનો છેડ ઉડાડવામાં આવ્યા બાદ નીતિન પટેલની હાજરી સૂચવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ તેઓ આસાનીથી બધું ચલાવી લેવાના મતનાં નથી.
બીજું એ કે કાર્યક્રમ દરમિયાન બન્ને નેતાઓ તક મળે તો પોતાનો એકબીજા પ્રત્યેનો અણગમો છૂપાવી શક્યા નથી. એક તબક્કે નીતિન પટેલ સીધા પીએમ મોદીની પાછળ ચાલી રહ્યા હતા અને પીએમ થોડી વાર અટક્યા ત્યારે વિજય રૂપાણીએ પીઠ ફેરવી લીધી હતી તો બીજી ઘટનામાં આવી જ રીત નીતિન પટેલે પણ એક વખત સીએમ રૂપાણી સાથે તાલમેલ સાધવાના બદલે પીઠ ફેરવી લીધી હતી.
ઘટનાઓ બહુ નાની માની શકાય છે પરંતુ નિમંત્રણ પત્રિકામાંથી બાદબાકી બાદ નીતિન પટેલની કાર્યક્રમમાં ધરાર હાજરી અને પીઠકાંડને જોતાં ગુજરાત સરકારના બે મોટા નેતાઓ વચ્ચે સુમેળ નથી એવી છાપ ઉપસી રહી છે. બન્ને નેતાઓ પીએમ મોદીના હાજરીને લઈ અદબથી રહ્યા હતા બાકી તો એવું લાગે છે કે બન્ને નેતાઓ વચ્ચે તિરાડ ઉભી થઈ ચૂકી છે.